Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એશિયા ઇલેવનથી મહેન્દ્રસિંહ ધોની રમે તેવી વકી : અહેવાલમાં દાવો

બાંગ્લાદેશ દ્વારા મહેન્દ્રસિંહ ધોની સહિત છ ખેલાડીની માંગ : વિરાટ કોહલી, બુમરાહ, રોહિત શર્માની બાંગ્લાદેશ દ્વારા માંગ : ૧૮ અને ૨૧ માર્ચે એશિયા ઇલેવનની મેચ રમાશે

નવીદિલ્હી, તા. ૨૬ : વેસ્ટઇન્ડિઝની સામે ટી-૨૦ અને વનડે શ્રેણીમાં પણ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યો નથી. અલબત્ત ક્રિકેટ ચાહકો ધોનીને આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા જોવા માટે ઇચ્છુક છે. ધોનીના ચાહકો માટે સારા સમાચાર છે. ધોનીને ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન પર ફરી એકવાર જોઈ શકાશે. ધોની ઉપરાંત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા બીસીસીઆઈ પાસેથી એશિયા ઇલેવન માટે અન્ય છ ખેલાડીઓની મંજુરીની માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે, ધોનીએ વર્લ્ડકપ સેમિફાઇનલ મેચ બાદથી કોઇપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈ પાસેથી ધોની ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાની માંગ કરી છે. ૧૮ અને ૨૧મી માર્ચના દિવસે એશિયા ઇલેવનની ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમાનાર છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી પરંતુ તે હાલમાં ઉપલબ્ધ પણ બની રહ્યો નથી. નિવૃત્તિને લઇને જાહેરાત પણ કરવામાં આવી નથી. નક્કર નિર્ણય લેવાના મામલામાં ધોનીને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગણવામાં આવે છે.

                    ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુકેલા ધોની પાસેથી ક્રિકેટ પંડિતોને આશા હતી કે, વર્લ્ડકપમાં ભારતીય સફરની સમાપ્તિની સાથે જ નિવૃત્તિની જાહેરાત કરી દેશે પરંતુ ધોનીએ હજુ રમવાનું જારી રાખ્યું છે. બીજી બાજુ મેદાનથી તે સતત દૂર રહી રહ્યો છે. તે હાલમાં કોઇ નિર્ણય લઇ શક્યો નથી. ધોની નિર્ણય લેવામાં કેમ ખચકાટ અનુભવી રહ્યો છે તેને લઇને પણ કોઇ વિગત મળી રહી નથી. બજારનું દબાણ તેના પર દેખાઈ રહ્યું છે. એશિયા ઇલેવન માટે રમવા ધોની તૈયાર થશે કે કેમ તેને લઇને પણ જોરદાર સસ્પેન્સની સ્થિતિ હાલમાં પ્રવર્તી રહી છે. જાણકાર લોકોના કહેવા મુજબ ધોની આમા રમી શકે છે.

(7:42 pm IST)