Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એશિયન ગેમ્સ પહેલા જ ભારતીય કુસ્તીબાજ સુશીલ કુમારને મળી હાર

નવી દિલ્હી: આવતા મહિને રમાનારી એશિયન ગેમ્સ પહેલા ભારતનો દિગ્ગજ કુસ્તીબાજ સુશીલ કુમાર જ્યોર્જિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેના પહેલા જ મુકાબલામાં હારી ગયો હતો. ૩૫ વર્ષના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ સુશીલને પોલેન્ડના એન્ડ્રાજેર પીઓટ્ર સોકાલ્સ્કીએ ૪-૮ની સ્કોરલાઈનથી હરાવ્યો હતો. સુશીલ  તેનો પહેલો જ મુકાબલો હાર્યો હોય તેવી ઘટના ચાર વર્ષ બાદ બની હતી, જેના કારણે ભારતીય કેમ્પમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. સુશીલ જેવા દિગ્ગજ કુસ્તીબાજને ભારતીય કુસ્તી ફેડરેશને એશિયન ગેમ્સની ટ્રાયલ્સમાંથી મુક્તિ આપી હતી. જેના કારણે તે સ્પર્ધામાં ઉતર્યા વિના જ એશિયાડ માટે સિલેક્ટ થઈ ગયો હતો. ભારત સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ (ટીઓપી) સ્કીમમાં બે વર્ષના બ્રેક બાદ ફરી સુશીલને સમાવવામાં આવ્યો છે. જોકે જ્યોર્જીયાની હારને કારણે ઘણા પ્રશ્નો સર્જાયા છે. આ અગાઉ સુશીલ છેલ્લે ૨૦૧૪માં ઈટાલીના સાસારી ખાતે રમાયેલી ઈવેન્ટમાં ફ્રાન્સના લુકા લામ્પીસ સામે હાર્યો હતો. સુશીલની હાર થઈ હતી, જ્યારે બજરંગ પુનિયા ૬૫ કિગ્રા કુસ્તીમાં સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી ચૂક્યો છે. તેણે ઈરાનના યોનેસ સામે ૩-૧થી જીત મેળવી હતી.
 

(6:43 pm IST)