Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રોહિત ને હાર્દિકના જોરે ટી-૨૦ સિરીઝ પર કબ્જો

ભારતે ઈંગ્લેન્ડને ૭ વિકેટથી હરાવ્યુ : અંગ્રેજોએ કરેલા ૯ વિકેટે ૧૯૮ રનના સ્કોરને ૩ વિકેટ ગુમાવીને આંબ્યો : રોહિતે નોટઆઉટ સેન્ચુરી ફટકારવા ઉપરાંત ટી-૨૦માં પૂરા કર્યા ૨૦૦૦ રન

રોહિત શર્માની નોટઆઉટ સેન્ચુરી ઉપરાંત હાર્દિક પંડ્યાની વેધક બોલીંગ તેમ જ શાનદાર બેટીંગના જોરે ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝ ૨-૧થી જીતી હતી. ગઈકાલે ૫૬ બોલમાં નોટઆઉટ ૧૦૦ રન ફટકારનારા રોહિતે ટી-૨૦ ફોર્મેટમાં પણ ૨૦૦૦ રન પૂરા કર્યા હતા. રોહિતને મેન ઓફ ધ મેચ અને સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે ૧૯૯ રનના લક્ષ્યાંકને આઠ બોલ અને સાત વિકેટ બાકી રાખીને આંબ્યો હતો. હાર્દિક પંડ્યાએ ૩૮ રનમાં ૪ વિકેટ લીધી હતી જે તેનો આ ફોર્મેટમાં સૌથી સારો દેખાવ છે.

આ સાથે જ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ટી-૨૦માં સતત છઠ્ઠી સીરીઝ જીતી છે. આ ક્રમની શરૂઆત નવેમ્બર ૨૦૧૭માં ન્યુઝીલેન્ડ સામે ડોમેસ્ટીક સીરીઝમાં મળેલી જીત સાથે થઈ હતી. ત્યારબાદ ભારત એક પણ દ્વિપક્ષીય ટી-૨૦ સીરીઝ હાર્યુ નથી. ઓપનર જેસન રોયે ફટકારેલા ૩૧ બોલમાં ૬૭ રનના કારણે ઈંગ્લેન્ડે નવ વિકેટે ૧૯૮ રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ ૩૮ રન આપી લીધેલી ચાર વિકેટને કારણે ઈંગ્લેન્ડને થોડુ નિયંત્રણમાં રખાયુ હતું. જેશન રોય અને જોસ બટલર (૩૪) વચ્ચે પહેલી વિકેટ માટે ૭.૫ ઓવરમાં ૯૪ રનની પાર્ટનરશીપ થઈ હતી. તેમણે માત્ર ૨૭ બોલમાં જ ૫૦ રન બનાવ્યા હતા.(૩૭.૧૬)

(4:21 pm IST)