Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ગોંડલના કોલીથડનું આરોગ્ય કેન્દ્ર કોવિડ હોસ્પિટલ સરકારી મંજૂરી વાંકે શોભાના ગાંઠિયા સમાન

બેડ, ઓકિસજન, મેડિકલ સ્ટાફ બધુ જ છે પણ મંજૂરી ના વાંકે લોકો છે તે સાધન સામગ્રીએ મોતને ભેટી રહ્યા છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૭  :ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં આવેલું આરોગ્ય કેન્દ્ર કોરોનાના કેસ વધતા કોલીથડ ગામના સરપંચ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી અહીં કોવિડ હોસ્પિટલ શરૂ કરાવી જોકે આ હોસ્પિટલ હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે એ પણ તંત્રના પાપે આ હોસ્પિટલમાં ૩૫ જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત દરેક બેડમાં કોરોનાના દર્દીઓ અને ઓકિસજન મળી રહેએ માટે ખાસ ઓકિસજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બેડ સુધી ઓકિસજનની પાઇપલાઇન પણ પહોંચાડવામાં આવી છે આ ઉપરાંત બે ઓકિસઝન ટેંક પણ અહીં મૂકવામાં આવી છે અને અહીંયા કોરોનાના દર્દીઓને સારવાર કરવા માટે મેડીકલ સ્ટાફ પણ તેનાત છે. છતાં આસપાસનાં ગામનાં કોરોનાના દર્દીઓ સારવાર વગર હેરાન પરેશાન થઈ રહયા છે. આમ હોસ્પિટલને તંત્ર દ્વારા મંજૂરી ન મળતા તૈયાર થઈ ગયેલી હોસ્પિટલ શોભાના ગાંઠિયા બનીને રહી ગઈ છે એ પણ એવા સમયે જયારે એક એક ઓકિસજન ના બેડ માટે લોકો વલખાં મારી રહ્યા છે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે પોતાના સ્વજનોને ઓકિસજન મળી રહે એ માટે તેમના સગાઓ કલાકો સુધી ઓકિસજન ભરાવા લાઈનમાં ઊભા છે ત્યારે માત્ર મંજૂરી આપવા માટે અટકેલી હોસ્પિટલ ફરી શરૂ થાય તેવી આસપાસના ગામના સરપંચો ની માંગ છે

કોલીથડનાં સરપંચ ગોપાલભાઈ સાવલિયા, પાટીયાળી સરપંચ ઈન્દ્રજીતસિંહ જાડેજા,હડમતાળાનાં વિઠલભાઈ સખીયા,ગરનાળાનાં વાલજી તાળા, મનોજ અકબરીએ જણાવ્યું હતું કે કોરોના અજગર ભરડામાં શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારો પણ આવી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને રાજકોટ કે ગોંડલ સુધી જવું ન  પડે એટલા માટે આસપાસના ગામના લોકોએ મળીને આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી તેમજ સરકાર પર આધાર રાખવાને બદલે દાતાઓની મદદથી બેડ,ઓકિસજન તેમજ એસીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ ઓકિસજનની ટેન્ક પણ ભરેલી છે સરપંચોએ દાવો કર્યો હતો કે આ ટેન્કમાં ૧૦ દિવસ ચાલે તેટલો ઓકિસજન પણ છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સારવારના અભાવે કોરોના ના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે કોલીથડ એ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યનું ગામ છે તેમજ ૨૪ જેટલા ગામના લોકોને જોડનારો ગામ છે તો અંગે આસપાસના પાંચ જેટલા ગામના સરપંચ તેમજ આગેવાનોએ જણાવ્યું હતું કે તેમના ગામમાં સારવારના અભાવે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે કોરોના ના કેસ જોતો વધી રહ્યા છે ત્યારે તેમના દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ બે દિવસ બાદ હોસ્પિટલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે તેવો જવાબ મળી રહ્યા છે આસપાસના ગામના આગેવાનો એ સરકાર પર આધાર રાખ્યા વગર જ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓને જમવાનું મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે ત્યારે હાલ તંત્ર દ્વારા તાત્કાલિક મંજૂરી અપાઈ અને ફરી હોસ્પિટલ શરૂ થાય તેવી પાંચ ગામના સરપંચોએ તેમજ આગેવાનોએ માંગ કરી છે.

(1:09 pm IST)