Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કચ્‍છમાં ઓક્‍સિજન માટે ફાયરીંગ

અનેક હોસ્‍પિટલો દ્વારા દર્દીઓને ઓક્‍સિજન વ્‍યવસ્‍થા કરવા સૂચના : કોરોનાથી દર્દીઓના શ્વાસ તૂટી રહ્યા છે ત્‍યારે ચૂંટણી સમયે વાયદાઓ કરનાર કચ્‍છના પ્રજાકીય પ્રતિનિધિઓ ક્‍યાં છે ? સોશ્‍યલ મીડિયામાં પરિવારજનોના સવાલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કોરોનાની બીજી લહેર ચારે તરફ ખોફ વર્તાવી રહી છે. કચ્‍છમાં કોરોના ને કારણે મૃત્‍યુ દર વધી રહ્યો છે. સ્‍થાનિક અખબારમાં પાનાઓ ભરી ભરીને આવતી મૃત્‍યુ નોંધ વાંચી લોકો આઘાત સાથે ભય અનુભવીને છે.

દરમિયાન પોતાના સ્‍વજન કોરોનાગ્રસ્‍ત દર્દીઓ માટે ઓકિસજન અને ઈન્‍જેકશન મેળવવા પરિવારજનો સતત સંઘર્ષ કરી રહ્યા છે. તે વચ્‍ચે ગઇકાલે મધરાતે ભચાઉમાં ઓક્‍સિજન માટે ફાયરિંગની ઘટનાએ ચકચાર સર્જી છે સાથે સાથે વર્તમાન ઊભી થયેલી પરિસ્‍થિતિમાં લોકો પોતાનું ધૈર્ય ગુમાવી રહ્યા છે એ ચિંતા પણ દર્શાવી છે. ગઇકાલે મધરાતે ભચાઉના ચીરઈ ગામ પાસે આવેલ ઓક્‍સિજન રિફિલિંગ કરતી અગ્રવાલ કંપનીમાં હવામાં ફાયરિંગ કરવાનો બનાવ બન્‍યો હતો.

જોકે, અત્‍યારે કચ્‍છમાં ઈન્‍જેકશન અને ઓક્‍સિજન બન્ને માટે કોરોનાગ્રસ્‍ત દર્દીઓના પરિવારજનો ઝઝૂમી રહ્યા છે. તેનું કારણ, મોટા ભાગની હોસ્‍પિટલો ઓક્‍સિજન ની તંગી અનુભવી રહી હોઈ દર્દીઓના પરિવારજનોને ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા માટે કહી રહી છે.

તંત્ર કચ્‍છના સ્‍થાનિક ઓક્‍સિજન એકમો પાસેથી સરકારી અને ખાનગી હોસ્‍પિટલો માટે વ્‍યવસ્‍થા કરશે અને રેમડેસિવિર ઇન્‍જેક્‍શન હોસ્‍પિટલ સુધી પહોંચાડશે એવો વાયદો કચ્‍છના વહીવટીતંત્રના ઉંચ્‍ચ અધિકારીઓની હાજરીમાં પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ પત્રકાર પરિષદના માધ્‍યમથી કર્યો હતો. પણ, બે દિવસ થયા તમામ વ્‍યવસ્‍થા ખોરવાયેલી હાલતમાં છે.

કચ્‍છમાં અત્‍યારે સોશ્‍યલ મીડિયામાં લોકો પ્રજાકીય પ્રતિનિધિઓને નિશાને લઈને કોરોનાની તબીબી સારવાર માટે સવાલો કરી રહ્યા છે. કચ્‍છના સાંસદ અને ૬ ધારાસભ્‍યોના ફોન નંબર સાથે કોરોના સારવાર માટે બેડ, ઓક્‍સિજન અને ઈન્‍જેકશન મેળવવા તેમનો સંપર્ક કરવાનું કહી આ નેતાઓના મોબાઈલ નંબર શેર કરી રહ્યા છે.

(11:11 am IST)