Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વાંકાનેરમાં ર દિ' માં ર૬ના મોત

તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મૃત્‍યુઆંક વધુઃ માંદગી વચ્‍ચે ડહોળા પાણીના વિતરણથી રોષ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.,૨૭: શહેરમાં છેલ્લા બે દિ'માં કુલ ૨૬ મોત થયા છે. જો કે વાંકાનેર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હાલની માંદગીને કારણે મૃતાંક શહેરથી પણ કયાંક ઉંચો હોવાના અહેવાલો મળે છે.

તાલુકાના મેસરીયા ગામે થોડા જ સમયમાં ૪૦ જેટલા લોકોના કોરોના કાળમાં મરણ થયા છે. જયારે વાંકાનેર તાલુકાના તીથવા ગામે ત્‍યાંના ડોકટર બાદીનું મરણ થયું છે અને ત્‍યાં વધુ કેસો હોય તેવું જાણવા મળે છે તે જ રીતે તાલુકાના પીપળીયા રાજ, વાંકીયા, પંચાસીયા, રાણેકપર અને વઘાસીયા ગામોમાં કોરોના કેસોનો વધારો જોવા મળી રહયો છે. વાંકાનેર શહેરની પ્રાઇવેટ હોસ્‍પીટલોમાં દર્દીના એક બેડના રૂપીયા ૧૦૦૦ થી ૧૫૦૦ લેવામાં આવે છે. તે દર્દીઓને પુરતી સારવાર એટલે કે ઓકસીજન કે ઇંજેકશન માટે શહેરભરમાં હડીયા પટ્ટી કરવી પડે છે. પરંતુ આ દર્દીઓને માટે અનિવાર્ય વસ્‍તુઓ રૂપીયા ખર્ચવા છતા ન મળી રહયાની ફરીયાદો સાંભળવા મળે છે. વાંકાનેર સ્‍મશાનોમાં વેઇટીંગ શરૂ થઇ ચુકયા છે. વાંકાનેરના બે સ્‍મશાનો પૈકી ૧, મોટી વાડી પાસે, ર સીટી સ્‍ટેશન રોડ પાસેના સ્‍મશાનોમાં ર૪ કલાક ચીતાઓ સળગતી જોવા મળે છે. કોરોનાના કારણે અમુક સગા-વ્‍હાલાઓ પણ અંતીમવિધીમાં જઇ શકતા નથી. વાંકાનેરના  ડોકટર ડાવરીયાનું પણ મોત થયું છે. અમરસિંહજી હાઇસ્‍કુલના પુર્વ આચાર્ય જગદીપભાઇ ઉપાધ્‍યાયનું પણ મૃત્‍યુ થયું છે.  વાંકાનેરમાં હાલ ઠેર-ઠેર માંદગીના ખાટલા છે તેવા સમયે જ પીવાનું પાણી ખુબ ડહોળુ-ગંદુ હોવાની ફરીયાદો જીનપરા વિસ્‍તારમાં ઉઠતા ત્‍યાંના રહીશોએ પાલીકાને જાણ કરી હોવા છતા પાણી પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્‍યો નથી.

(11:10 am IST)