Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વાંકાનેરમાં વિદ્યાભારતી પરિવાર યોજીત પૂર્વ છાત્ર આચાર્ય સંમેલનમાં ૧૩૪૭ છાત્રોએ જૂની યાદો વાગોળી

વાંકાનેર તા.૨૬ : શિક્ષણના માધ્યમથી સમાજ પરિવર્તનના ધ્યેય સાથે કામ કરતા તેમજ શિક્ષણમાં ભારતીયતાની અનિવાર્યતા પર ભાર મુકતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ વાંકાનેરના શિક્ષણના મુલ્યોને આત્મસાત કરી સમાજના વિવિધક્ષેત્રોમાં સફળતાપુર્વક કાર્યાન્વિત થઇ વ્યવસાયિક અને કૌટુંબિક પ્રગતિ કરી રહેલ પુર્વ છાત્રો પુર્વ આચાર્યોનું વાંકાનેરના શૈક્ષણિક જગત માટે અભુતપુર્વ કહી શકાય તેવુ પુર્વછાત્ર પૂર્વઆચાર્ય સંમેલન વિદ્યાભારતી સંકુલ વાંકાનેર ખાતે યોજાયુ હતુ.

શરણાઇના સુર સાથે પરંપરાગત વસ્ત્રોમાં સજજ ભુલકાઓએ શિક્ષણ અને કલાના સંગમસ્થાન સમી આ ભૂમિ પર ચંદન તિલક કરી સ્વાગત કર્યુ ત્યારે પુર્વ આચાર્ય પણ તેમા સહભાગી થયા. પ્રથમ સત્ર ૯ થી ૧૦-૩૦ આગમન, પંજીકરણ, વિદ્યાલય મુલાકાત, પ્રદર્શની અને પીપીટી માટે હતુ ગુલાબી ઠંડીમાં પણ રંગીજ મિજાજમાં વિદ્યાર્થીઓનુ આગમન શરૂ થયુ. મિલન મુલાકાતના સિલસિલા બાદ મિત્રના ખભા પર હાથ રાખી વિદ્યાલયની મુલાકાત લીધી ત્યારે સ્મૃતિના ચશ્માથી એ ભૂતકાળના સંસ્મરણો વાંચતા અને સમય સાથે આવેલ વિદ્યાલયને બદલાવને નોંધતા જણાયા. ફોટો પ્રદર્શની અને વિડીયો જોતી વખતે દરેક વિદ્યાર્થીએ સાગરમાંથી મોતી શોધવા જેટલી મહેનત પોતાના બાળસ્વરૂપને શોધવા લાગી.

દ્વિતીય સત્ર સંભારણા કાર્યક્રમની શરૂઆત દિપ પ્રજવલન અને ત્યારબાદ ગણેશજી સ્તુતી અને સ્વાગત નૃત્યથી લઇ સ્વાગત પરિચય પ્રસ્તાવનામાં પૂર્વ પ્રધાનઆચાર્ય હેમાબેન પંચોલીએ આશા વ્યકત કરતા કહ્યુ કે અહીથી પ્રજવલીત થયેલ સંસ્કારરૂપી દિપકનો અજવાસ સમગ્ર સમાજમાં ફેલાવી વિદ્યાલયનુ નામ રોશન કરશો.

સંભારણા કાર્યક્રમાં પૂર્વ છાત્રોના પ્રતિભાવો રહ્યા જેમા એક વખતના બોર્ડ પ્રથમ એવા ઝંખના ગણાત્રાએ પોતાના પ્રતિભાવમાં કહ્યુ કે અહી શીખવવામાં આવતા પાંચ કેન્દ્રીય વિષયોએ સફળતાની ગેરેંટી છે. યોગેન્દ્રસિંહ ઝાલાએ પ્રતિભાવમાં અન્ય પૂર્વ છાત્રોને સંમેલનમાં ઉદ્દેશ્ય સમજી વિદ્યાભારતીના કાર્યમાં સહભાગી થવા હાંકલ કરી. હિમાંશુભાઇ વરીયાએ પોતાના પ્રતિભાવમાં ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ પર ભાર મૂકતા અંગ્રેજી આવશ્યક છે પણ અંગ્રેજીયત નહિ. એ જ રીતે કુમાર ટાપરીયાએ પોતાના શાયરીના અંદાજમાં અહીથી મળતા વિઝન બંને કોઇપણ મેગાપિકસલ કેમેરાથી વધુ સ્પષ્ટ જણાવ્યુ. માધુરી રાજવીરે ઉપસ્થિત સૌ કોઇને અહીના મુલ્યોને કારણે વર્ષો પછી પણ જોડાયેલ હોવાનુ કહ્યુ. વાંકાનેરના જાણીતા ઓર્થો.સર્જન એવા પુર્વ છાત્ર અને વાકાનેરના સંઘ સંચાલક જીજ્ઞેશભાઇ દેલવાડીએ કહ્યુ કે વિદ્યાભારતીના વિદ્યાર્થીને અહીથી ભણતર, ગણતર, ઘડતર અને રાષ્ટ્રપ્રેમ મળે છે. રાષ્ટ્રપ્રેમના શિક્ષણની સરખામણી માત્ર જાપાન સાથે થઇ શકે.

સંભારણા કાર્યક્રમના અધ્યક્ષીય ઉદબોધનમાં વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજીએ કહ્યુ કે સમાજના વિકાસ માટે ખુબ જ અગત્યના ક્ષેત્ર એવા શિક્ષણ ક્ષેત્રમાં ગુણવતાનુ ખુબ જ મહત્વ છે અન ેએવુ ગુણવતાયુકત શિક્ષણ આપવાનુ કામ વિદ્યાભારતી સંકુલના વિદ્યાલયો કરી તંદુરસ્ત સમાજ નિર્માણમાં પોતાનુ પ્રદાન આપી રહ્યા છે. આ પ્રથમ સત્રના અંતે કે.કે.શાહ મા.વિદ્યાલયના પ્રધાનઆચાર્ય જયંતીભાઇ પડસંુબિયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ પુર્વ છાત્રોના ઉલ્લાસને બિરદાવતા આભાર વ્યકત કર્યો હતો.

પૂર્વછાત્ર સંમેલનના સંયોજીકા દર્શનાબેન જાનીએ પૂર્વ છાત્રોને આહ્વાન કરતા કહ્યુ કે, અહીથી પ્રાપ્ત કરેલ સંસ્કારોને પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં ઉતારી વિદ્યાભારતીના લક્ષ્યને પહોચવામાં મદદરૂપ થાય. આ કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરનારા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ગુજરાત ગૌરવ પુરસ્કાર અને શ્રેષ્ઠ ફોટો જર્નાલીસ્ટ એવોર્ડ વિજેતા એવા વાંકાનેરના પનોતાપુત્ર વિખ્યાત ભાટી એન. તેમજ પ્રદૂષણથી ત્રસ્ત એવા સમાજને પ્રકૃતિ તરફ પાછા ફરોનો સંદેશ આપતા માટીના માનવ એવા ૯૦ થી પણ વધુ નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા મનસુખભાઇ પ્રજાપતિનું સન્માન શાલ અને સન્માનપત્ર આપી વિદ્યાભારતી સંકુલના પ્રમુખ અને પુર્વ સાંસદ લલીતભાઇ મહેતાએ કર્યુ હતુ.

સંસ્થાના પ્રમુખ લલીતભાઇ મહેતાએ આ રાષ્ટ્રના મોટા પૂર્વ છાત્ર સંમેલનમાં જીવનમાં એક સાચા મિત્રની આવશ્યકતા સમજાવી. આજકાલ માનવીય સંબંધોના અભાવથી ઉત્પન્ન થતી પરિસ્થિતિઓની વિઘાતક અસરો તરફ નિર્દેશ કર્યો અને પ્રવર્તમાન સમાજમાં યુવાનોનુ અપમૃત્યુ પાછળ આવા માનવીય સબંધોને સ્થાપવા ટકાવવા તેમજ વિકસાવવામાં તેની અસમર્થતા છે એમ કહયુ. આપણા આહાર, વિહાર અને વર્તનમાં મર્યાદા રાખી પુરૂષાર્થની પરાકાષ્ઠા જ સફળતાની ચાવી ગણાવી. શરીર સૌષ્ઠવનું મહત્વ સમજાવી આજના દિને ઉપસ્થિત પુર્વ છાત્રોને માનવતાનુ ઝરણુ સંવેદના અને તેજસ્વી બુધ્ધિ પરોપકાર માટે હોય છે એવી સમજ આપી. કુલપતિ સૌ.યુનિ. નીતીનભાઇ પેથાણીએ ગુજરાત પ્રદેશ તેમજ સમગ્ર ભારતમાં વિદ્યાભારતીના વિદ્યાલયનો સ્થિતિ અંગે માહિતી આપી વ્યવસાયિક સફળતા કરતા રાષ્ટ્રભકિતથી ઓતપ્રોત યુવા પેઢીના નિર્માણ પર ભાર મુકયો.

આ કાર્યક્રમમાં ૭૨ મેડીકલના, ૧૨ કલાક ર અધિકારી, એમબીએ ૩૮, એમસીએ ૩૭, પીએસઆઇ ૩, પીએચડી ૭, એમઇ પ, બીસીએ ૪૧, એન્જીનીયર ૨૧૯, સરકાર સર્વિસ કરતા ૯૮, શિક્ષક તરીકે ૭૦, બીસીએ ૪૧, પીએચડી ૭, પ્રોફેસર ૩, બીસીસીએમ ૩૬૬, એમસીસીએમ ૧૪૧, બીએસસી ૧૧૨, એમએસસી ૭૦, બીએ ૧૮, એમએ ૧૩, પીટીસી ૬, સીએ ૧૬ આર્કિટેકટ ૧ ઇન્ટીરીયર અને ફેશન ડિઝાઇનર પ, વકીલ ૩૫ જેવા વૈવિધ્ય ધરાવતા ક્ષેત્રોમાં કાર્યરત પૂર્વછાત્રો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને અનુસંધાને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુજી, પશ્ચિમક્ષેત્ર સરસંઘ સંચાલક જયંતીભાઇ ભાડેશીયા, પુનારુત્નાથ વીદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, ગુજરાત રાજય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સુનિલભાઇ મહેતાના શુભેચ્છા સંદેશ મળ્યા હતા.

આ સંમેલનમાં ૧૩૪૭ જેટલા પુર્વછાત્રો હાજર રહી વિદ્યાલય સાથે પોતાનો સબંધ તાજો કર્યો હતો. ઓસ્ટ્રેલીયા, અમેરીકામાં વસતા પુર્વ છાત્રોએ પણ શુભેચ્છા પાઠવતા વિડીયો સંદેશાઓ મોકલ્યા હતા.

(11:53 am IST)