Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જેતપુરના સેલુકામાં અશોક વાળાએ ધંધાકીય મંદી,દેણાથી કંટાળી જઇ ઝેરી પાવડર પીધો

રાજકોટ તા. ૨૬: જેતપુરના સેલુકા ગામે રહેતાં અશોક પાલજીભાઇ વાળા (ઉ.૩૫) નામના વણકર યુવાને ઝેરી પાવડર પી લેતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જરૂરી કાર્યવાહી કરી જેતપુર પોલીસને જાણ કરી હતી. અશોક બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી છે. તે કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ થોડા સમય પહેલા અશોકે મકાન બનાવ્યું હોઇ થોડુ દેણું ચડી ગયું છે. હાલમાં કામધંધામાં મંદી આવી ગઇ હોઇ આર્થિક ભીંસ પણ ઉભી થઇ હતી. આ કારણે કંટાળીને તેણે આ પગલુ ભર્યુ હતું.

દેરડી કુંભાજીમાં નવોઢા અંકિતાએ ઝેર પીધું

દેરડી કુંભાજી રાજુભાઇની વાડી પાસે ઝૂપડામાં રહેતી અંકિતા વિજય શિંગાળ (ઉ.૧૮) નામની નવોઢાએ ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણીના પચ્ચીસ દિવસ પહેલા જ લગ્ન થયા છે. મુળ મધ્યપ્રદેશની છે. પતિ-પત્નિ વચ્ચે રસોઇ બાબતે ચડભડ થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.

ટંકારાના ઉજડીમાં બાબુ ઝેર પી ગયો

ટંકારાના ઉજડી ગામે હકાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં બાબુ ભુરાસીંગ આદિવાસી (ઉ.૩૫)એ ઝેર પી લેતાં રાજકોટ ખસેડાયો હતો.

જીવાપરમાં રેશ્મા ઝેર પી ગઇ

ટંકારાના જીવાપરમાં રમેશભાઇ રવજીભાઇની વાડીમાં રહેતી રેશ્મા મુકેશ મોહનીયા (ઉ.૨૨) સાંજે કપાસની દવા પી જતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. તેણીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા છે.

(11:39 am IST)