Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પોરબંદર જિલ્લા શાળા આરોગ્ય તપાસ સપ્તાહનું ઉદ્ઘાટન : ૧.૩૩ લાખ બાળકોની તબીબી તપાસ કરાશે

પોરબંદર તા.૨૬: પોરબંદરનાં વશનજીભાઇ ખેરાજભાઇ ઠકરાર પ્રા.શાળા. ખાતે જિલ્લા કક્ષાનો શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું ઉદધાટન કરવામાં આવ્યું હતુ. ૩૦ જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમા પોરબંદર જિલ્લાની ૧૦૬૪ શાળા સંસ્થાઓનાં તથા શાળાએ ન જતા શીશુ થી ૧૮ વર્ષનાં કુલ ૧.૩૩ લાખ બાળકોનાં આરોગ્ય તપાસવામાં આવશે. બાળકોને પોષણયુકત આહાર, સ્વચ્છ વાતાવરણ તથા આરોગ્ય તપાસણી થાય તે માટે સમગ્ર ગુજરાતમાં શાળા આરોગ્ય સપ્તાહ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ શાળાનાં બાળકોને અપીલ કરી કે, આરોગ્ય તપાસથી ડરવાની જરૂર નથી. કુદરતે આપેલા શરીરની સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવી જોઇએ. સરકારનો હકારાત્મક અભિગમ છે. દરેક વાલીએ પોતાના નવ- શીશુની ૧૮ વર્ષનાં બાળકોની આરોગ્ય તપાસ કરાવવી જોઇએ તેવી અપીલ કરી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો રાઠોડે જણાવ્યું કે, શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં દરેક બાળકએ પોતાના આરોગ્યની તપાસ કરાવવી જોઇએ. કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સ્ટાફ અને ડોકટરોની ટીમ દ્રારા બાળકોનાં આરોગ્યની તપાસ હાથ ધરાશે. સમાન્ય દર્દીઓને સ્થળ પર જ જરૂરી દવા વિતરણ કરાશે. તથા ગંભીર બીમારી ધરાવતા બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે અમદાવાદ લઇ જવાશે. આભાર વિધિ સાથે ડો સીમા પોપટીયાએ કહ્યુ કે, શાળાના બાળકોએ લીલા શાકભાજી, ગોળ ખજુર ખાવા જોઇએ જેથી શરીરમાં લોહીની ટકાવારી જળવાઇ રહે. વર્ષ ૨૦૧૮માં શાળા આરોગ્ય સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી અમદાવાદ ખાતે  સફળતાં પુર્વક ગંભીર બીમારીનાં ઓપરેશન કરાવી આવેલા બે બાળકો અને તેના વાલી ઉપસ્થિત રહીને પોતાના અનુભવો રજુ કર્યા હતા. કાર્યક્રમમાં પોરબંદર નગરપાલીકાનાં પ્રમુખશ્રી અશોક ભદ્રેચા, પ્રોગ્રામ ઓફીસર અંજના જોશી, કવોલીટી મેડીકલ ઓફીસર ડો. એસ. એચ. શર્મા, તાલુકા હેલ્થ ઓફીસર, આરોગ્ય સ્ટાફ, સ્કુલ સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા

(11:37 am IST)