Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બગથળામાં સર્જાઇ ક્રાંતી

૮૯ પાટીદાર યુગલોનાં સમુહ લગ્નનની સાથે ૧૦ હજાર લોકોનું સામુહિક રાષ્ટ્રગાન

તમામ કન્યાઓને કરિયાવરમાં ૧ વૃક્ષનો છોડ અર્પણઃ ઘરે જમણવાર અને ફટકડા નહી ફોડીને બચત થયેલી રકમ સમુહલગ્ન સમિતિમાં અપાઇ

 મોરબી તા. ર :..  માળીયા-મિંયાણા તાલુકાનાં બગથળા ગામે પાટીદાર સમાજ દ્વારા સમાજમાં નવી ક્રાંતિ સર્જાતાં સમુહ લગ્ન સંપન્ન થયા હતાં.

 

બગથળા ગામે યોજાયેલ આ સમુહ લગ્નમાં ૮૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્નવિધીની શરૂઆત પૂર્વે આશરે ૧૦ હજાર જેટલા લોકોએ રાષ્ટ્રગાન કરી પોતાની રાષ્ટ્રભાવન ઉજાગર કરી હતી. પરણીને સાસરે જતી દિકરીને સંસ્થા તરફથી પોતાના સાસરીએ જઇને વૃક્ષારોપણ કરવા વૃક્ષના છોડ અર્પણ કરાયા હતાં. અને ઉપસ્થિત પાટીદાર ઉદ્યોગપતિઓએ ગામોને દત્તક લઇ ત્યાં વૃક્ષારોપણ કરવાની જાહેરાત કરવા સાથે વૃક્ષારોપણ અભિયાનને આગળ ધપાવ્યું હતું.

માળીયા-મોરબી તાલુકાના લગ્ન સમીતિ દ્વારા રવિવારના રોજ બગથળા ગામે પાટીદાર સમાજના ઓગણીસમા સમુહ લગ્ન યોજાયા હતાં. જેમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ, ગોવિંદભાઇ વરમોરા, ધારાસભ્યો સર્વે શ્રી બ્રિજેશભાઇ મેરજા, લલીતભાઇ કગથરા પૂર્વ ધારાસભ્યો કાંતિભાઇ અમૃતીયા, બાવનજીભાઇ મેતલીયા, જી.પં. કારોબારી અધ્યક્ષ કિશોરભાઇ ચીખલીયા, કોંગ્રેસ પાટીદાર અગ્રણી જયંતિભાઇ જે. પટેલ સહિત અનેક આગેવાનો તેમજ મહંત શ્રી દામજીભગત (બગથળા) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. બહોળી સંખ્યામાં  પાટીદાર સમાજ આ સામાજીક કાર્યમાં જોડાયો હતો. અને  ૮૯ યુગલો  લગ્નગ્રંથીથી જોડાયા હતાં.

લગ્નસમિતિના નિયમ મુજબ આ સમુહ લગ્નમાં જોડાનાર ના ઘેર જમણવાર કે ફટાકડા ફોડવા સહિતના વધારાના ખર્ચને કરવાના નિર્ણય અંગે ર૦ જેટલા મા-બાપે  ડીપોઝીટ જતી કરી હતી. આ  તકે સમિતિના અગ્રણી મનુભાઇ કૈલાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મીંગની અસરથી બચવા માટે સમુહલગ્ન થકી પર્યાવરણના જતન કરવાનું અભિયાન સંસ્થા દ્વારા ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે દિકરીઓને પોતાના માંડવાયએ વૃક્ષારોપણ કર્યુ હતું. અને હવે સાસરે જઇને પણ વૃક્ષારોપણ કરે તે માટે દરેક દિકરીઓને વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાયું છે.

તદપરાંત સમાજના દરેક ઉદ્યોગપતિઓએ એક ગામ દત્તક લેવાનો અને ઉપસ્થિત લોકોએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો  ઉછેર કરવા સંલ્કપ કર્યો હતો.

આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ સામાજીક પ્રસંગોમાં  ખોટા ખર્ચા બંધ કરી તે ખર્ચ સદકાર્યોમાં સામાજીક હિતના કાર્યોમાં વાપરવા પર ભાર મુકવા સાથે  નવજીવન પંથ પર પ્રયાણ કરતા યુગલોને આર્શીવચન - શુભકામનાઓ પાઠવી હતી. પૂ. દામજીભગતે પણ દિકરીઓને યુગલોને આર્શીવચન પાઠવ્યા હતાં. (પ-૬)

(10:22 am IST)