Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પ્રદૂષણ પાણીની સમસ્યાનો નિકાલ ના ત્યાં સુધી સાડીના કારખાનાઓ બંધ રખાવવા રજૂઆત

જુનાગઢ, તા.૨૧: જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી. જેમાં ગત મિટિંગના પેન્ડિંગ પ્રશ્ન જેતપુર કારખાનેદાર દ્વારા ફેલાવવામાં આવતું પ્રદુષિત પાણી રોકવા બાબત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગળની શુ કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ માંગવામાં આવેલ. પ્રદુષણ અધિકારી જેતપુર અને જૂનાગઢની સંયુકત કચેરી દ્વારા હાલ ભાટ ગામ પાસેથી પ્રદુષિત પાણી વહન કરતી તૂટેલી પાઇપ લાઇનના લીકેજ ને કારણે જે પાણી ઉબેન અને ભાદર નદીમાં ભળતું તે પાઇપ લાઇન રીપેર કરવામાં આવી છે તેમજ હાલ ૧૦ દિવસ સુધી તમામ કારખાનાઓ બંધ કરી દેવા હુકમ કરેલ. માત્ર ૧૦ દિવસ બંધ કરવાથી આ સમસ્યાનો નિકાલ થવાનો નથી, જયાં સુધી આ વેસ્ટ પાણી નિકાલ કરવા માટે કારખાનેદાર વ્યવસ્થા ન કરે અને આ સમસ્યા નો કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી તમામ એકમો બંધ રાખવા તેવી ભીખાભાઇ જોષી એ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસે બાહેંધરી માંગી.  બોર્ડના અધિકારીને સવાલ કર્યો હતો કે જે કારખાનેદાર પ્રદુષણ નિયંત્રણના નિયમનો ભંગ કરે તો કાયદાની જોગવાઈ પ્રમાણે બોર્ડ દ્વારા કેટલા કારખાનેદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી? કોઈ એકમ પાસેથી દંડ ની વસુલાત કરી છે કે કેમ? ઉપરાંત જેતપુર કારખાનેદાર દ્વારા સાડીનું પ્રોડકશન કરી તૈયાર મટીરીયલ વોશ કરવા માટે ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના ખેતી ની જમીનમાં દ્યાટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એ તમામ દ્યાટ ની જમીન મુળ ખેતી ની જમીન છે, તેનો કોમર્શિયલ હેતુ માટે ઉપરોગ થાય છે. તે બધા ગેરકાયદેસર દ્યાટ ની તપાસ કરવા જૂનાગઢ અને ભેસાણ પ્રાંત અધિકારીશ્રી ની અધ્યક્ષતા માં કમિટી બને અને તેમના લાઇસન્સ ચેક કરવામાં આવે. PGVCLને સાથે રાખી વીજ કનેકશન ખેતી વિષયક છે કે વાણિજયક તેની તપાસ કરવામાં આવે. અને જો એમાં ગેરકાયદેસર જણાય તો એમના પર શિક્ષાત્મક પગલાં લઈ બંધ કરાવવામાં આવે. કારણ કે નાની નદીઓમાં આ દ્યાટ દ્વારા છોડાતા પાણીને લીધે જ પ્રદુષણ ફેલાય છે. જયાં સુધી પ્રદુષણ બોર્ડ દ્વારા નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન સમિતિમાં પેન્ડિંગ રાખવાની ભીખાભાઇ જોષીની માંગણીને ધ્યાને લઇ કલેકટર શ્રી દ્વારા આ પ્રશ્ન પેન્ડિંગ રાખેલ.

(12:45 pm IST)