Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જુનાગઢ કોર્પોરેશનની આગામી ચૂંટણી ન લડવા નિલેશ ધુલેશીયાનો નિર્ણય

હું ભાજપનો કર્મઠ કાર્યકર છું અને આજીવન રહીશઃ પાર્ટીની કામગીરી નિષ્ઠાપુર્વક કરતો રહીશઃ કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે રહીને અનેક વિકાસ કાર્યો વેગવંતા કર્યા

જુનાગઢઃ પ્રથમ તસ્વીરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, બીજી તસ્વીરમાં મુેખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે નિલેશભાઇ ધુલેશીયા નજરે પડે છે. (ફાઇલ ફોટોઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા., ૨૦: જુનાગઢ મહાનગર પાલીકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશ ધુલેશીયાએ મહાનગર પાલીકાના સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છીકપણે નિવૃતી જાહેર કરી છે અને આગામી કોર્પોરેશનની ચુંટણી ન લડવાની જાહેરાત કરી છે.

કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ  કમીટીના ચેરમેન તરીકે ત્રણ વર્ષ સુધી નિષ્ઠા અને પ્રમાણીકતાથી પારદર્શક વહીવટ આપનાર નિલેશભાઇ ધુલેશીયાએ ૩ વર્ષના કાર્યકાળ દરમ્યાન જુનાગઢના બાંધકામ તેમજ રોડ રસ્તા સહીત વિવિધ શાખાના રપ૮ કરોડના વિકાસ કામો મંજુર કર્યા હતા. જેમાં ૧૩૧ કરોડના વિકાસ કામો પુર્ણ થઇ ચુકયા છે. તેમજ ૧ર૬ કરોડના વિકાસ કામો હાલમાં ચાલી રહયા છે. શ્રી ઘુલેશીયા બિલ્ડર્સ અને એન્જીનીયર હોવાના નાતે પોતાની આવડતને લઇ ખુબ ઉંડાણ અને કોઠા સુઝથી વિકાસકામો સ્ટેન્ડીંગમાં મંજુર કરવા ઉપરાંત કામોનું પોતે સ્થળ નિરીક્ષણ કરી ગુણવતા ચકાસતા અને જુનાગઢના વિકાસ માટે તેઓનું અનેરૂ યોગદાન રહયું છે.

શ્રી ધુલેશીયાએ અકિલા સાથે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેમ સચિન તેડુંલકરે ક્રિકેટ જગતમાં ફુલ ફોર્મમાં આવી નિવૃતી જાહેર કરી તેમ હું પણ કોર્પોરેશનના રાજકારણમાંથી ફુલ ફોર્મ આવી સ્વૈચ્છીક નિવૃતી જાહેર કરૂ છું અને કોર્પોરેશનમાંથી ચુંટણી પણ નહી લડુ તેમ કહયું હતું. તેઓ વધુમાં જણાવેલ કે હું ભારતીય જનતા પાર્ટીનો કર્મઠ કાર્યકર હતો છુ અને રહીશ પાર્ટીએ મને જે આપ્યું છે તેનો આજીવન ઋણી રહીશ તથા પક્ષ મને જે કંાંઇ પણ કામગીરી સોંપશે તે કામગીરી નિષ્ઠા પુર્વક કરીશ તેમ અંતમાં જણાવ્યું હતું.

અનેક શૈક્ષણીક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી નિલેશ ધુલેશીયાનો રાજકીય ક્ષેત્રે પ્રવેશ થયા બાદ તેઓએ મ્યુનિ. કોર્પોરેશનમાં ૧૦ વર્ષ સેવા પ્રવૃત રહયા.

બે ટર્મમાંથી એક ટર્મ વિરોધપક્ષ તરીકે બેસવું પડયું તો પણ શ્રી ધુલેશીયાએે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવાની કામગીરી સુપેરે બજાવી હતી.

જુનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું શાસન આવતા શ્રી ધુલેશીયાની ઓગષ્ટ ર૦૧૬માં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે વરણી થયેલ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સુત્રને નજર સમક્ષ રાખી શ્રી ધુલેશીયાએ સ્ટેન્ડીંગ ચેરમેનની જવાબદારી નિભાવી.

શ્રી ધુલેશીયાએ જણાવેલ કે જાહેર જીવન મારા માટે સમાજ અને નગર સેવાનું માધ્યમ છે જેને ધ્યાને રાખી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો.

પારીવારીક ધંધા અને રોજગારની વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢી શ્રી ધુલેશીયાએ યથાશકિત, યથામતી સમાજ સેવા, નગર સેવા, દેશ સેવા કરવાની પ્રતિબધ્ધતા સાથે આ ક્ષેત્રમાં આવેલ.

શ્રી ધુલેશીયાએ જણાવેલ કે, ર૦૦૯ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જુનાગઢનાં ઇન્ચાર્જ હતા ત્યારે તેઓએ પુર્વ મંત્રીશ્રી મોહનભાઇ પટેલ, સ્વ.ભાવનાબેન ચીખલીયા  વગેરેની સાથે શ્રી ધુલેશીયાને પણ જુનાગઢ કોર્પોરેશનની ચુંટણી માટે ટીકીટ આપી અને તમામની સાથે વિજય મેળવેલ. પરંતુ ર૦૦૯ થી વિપક્ષ તરીકે મનપામાં રહીને વિકાસકામો અને સમસ્યાઓના નિરાકરણ માટે કવાયત કરેલ.

શ્રી ધુલેશીયાએ જણાવેલ કે બીજી ટર્મમાં શ્રી મો.લા.પટેલ, ભાવનાબેન ચિખલીયા વગેરે નિવૃત થયેલ. પરંતુ શ્રી ધુલેશીયાએ પાર્ટીના આગ્રહથી ફરી વોર્ડ નં. ૧૩ માંથી ફરી ચુંટીમાં જંગી લીડથી શ્રી ધુલેશીયા ચુંટાયા હતા.

શ્રી ધુલેશીયાએ જણાવેલ કે સ્વૈચ્છીક રીતે જુનાગઢ કોર્પોરેશનની આગામી ચુંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે. અન્ય કાર્યકરોએ તક મળે તે માટે કોર્પોરેશનની ચુંટણી નહિ લડવાના નિર્ણયની પાર્ટીને પણ જાણ કરેલ છે.

શ્રી ધુલેશીયાએ સ્ટેન્ડીંગ કમીટીનાં અધ્યક્ષપદ  દરમ્યાન કોર્પોરેશનનો તમામ વહીવટ પારદર્શક રાખવાની સાથે પ્રશ્નો-સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહયા છે.

આ તમામ સફળતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વગેરેના માર્ગદર્શનથી મળ્યાનું શ્રી ધુલેશીયા એ જણાવ્યું હતું.

યુવા કાર્યકર્તાઓને તક મળે તે માટે નિર્ણય કર્યોઃ કમિશ્નરને સસ્પેન્ડ કરાવ્યા'તા

રાજકોટ, તા., ર૦: જુનાગઢ કોર્પોરેશનની આગામી ચૂંટણી ન લડવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી નિલેશભાઇ ધુલેશીયાએ કર્યો છે.

શ્રી નિલેશભાઇ ધુલેશીયાએ અકિલાને જણાવ્યું હતું કે યુવા કાર્યકરોને તક મળે તે માટે મે ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

શ્રી નિલેશભાઇ ધુલેશીયાએ વધુમાં જણાવ્યું કે કોર્પોરેશનમાં વિકાસકાર્યોની સાથોસાથ લોકોને સારી સુવિધા મળે તે માટે સતત પ્રયત્ન કરતો રહયો છું.

કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે કમિશ્નરશ્રી રાજપુતને સસ્પેન્ડ કરાવ્યા હતા. જે કામગીરી કર્યાનો મને સંતોષ છે તેમ શ્રી નિલેશભાઇ ધુલેશીયાએ અંતમાં જણાવ્યું હતું.  હાલમાં જુનાગઢ મહાનગરના ભાજપના ઉપપ્રમુખ પદે નિલેશભાઇ ધુલેશીયા કાર્યરત છે.

(1:35 pm IST)