Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભાવનગરમાં પોલીસ પુત્રને ધમકી આપી ગોળીબાર

સામાન્ય બાબતે ઝઘડો થયા પછી સમાધાન માટે મધરાતે ભેગા થયા પણ સમાધાન નહી કરી યાસીનને ડરાવ્યો : બ્રિજરાજસિંહ ઝડપાયો : દિવ્યરાજસિંહ ફરાર

ભાવનગર, તા. ર૦ : ભાવનગરમાં પોલીસપુત્ર સાથે બે શખ્સોને ઝઘડો થયા બાદ સમાધાન માટે મોડી રાત્રે ક્રેસન્ટ સર્કલ નજીક ભેગા થતાં સમાધાન નહિ કરી બે શખ્સોએ પોલીસપુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ડર બતાવવા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગના આ બનાવથી પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે બે પૈકી એક આરોપીને ઝડપી લીધો છે.

બનાવની મળતી વિગતો મુજબ શહેરની જુની પોલીસ લાઇનમાં રહેતા યાસીનભાઇ યુનુસભાઇ ઉનડ ઉ.વ.ર૪ શહેરના જવાહર મેદાનમાં બેઠો હતો ત્યારે બ્રિજરાજસિંહ ગોહિલ અને દિવ્યરાજસિંહ ઝાલા નામના બે શખ્સો સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઇ ઝઘડો થયો હતો. આ બાબતે સમાધાન કરવા ગઇ મોડી રાત્રે સમાધાન કરવા શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક એ.વી. સ્કૂલના મેદાન પાસે ભેગા થયા હતાં જયાં આ બન્ને શખ્સોએ પોલીસપુત્ર યાસીન ઉનડ સાથે સમાધાન નહિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બે પૈકી બ્રિજરાજસિંહ ગોહિલે ગાળો આપી યાસીનને બીવરાવવા તેની પાસે રહેલ પીસ્તો કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી બન્ને નાસી છૂટયા હતાં.

ફાયરીંગ થયાના આ બનાવની જાણ થતાં જ સીટી ડીવીવાયએસપી મનીષ ઠાકર, સી-ડીવીઝન પોલીસ, એલ.સી.બી. પોલીસ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે મોડી રાત્રે જ ફાયરીંગ કરનારા કાળીયાબીડ વિસ્તારમાં રહેતા બ્રિજરાજસિંહને દબોચી લીધો હતો અને બીજા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)