Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

વરસાદનો વિરામ યથાવત : મિશ્ર વાતાવરણ

રાજકોટ, તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલુ છે.

છેલ્લા બે દિવસથી વરસાદે પણ વિરામ લીધો છે અને પવન પણ મંદ ગતિએ ફૂંકાઇ રહ્યો છે.

મંગળવારે દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી ગયા. રાતે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯ તાોલુકા મથકે ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉઘાડ નીકળ્યો હતો અને એકાદ સ્થળે જ અમીછાંટણા થયા હતા.

અરબી સમુદ્રમાં ચોમાસુ આગળ વધવાના સંજોગ ઉજળા બન્યાની અને આગામી રવિવારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા તેમજ દીવમાં ફરી વરસાદનું આગમન થવાની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે.

હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ચોમાસુ અરબી સમુદ્રમાં આગળ વધવાના સંજોગો થતા જાય છે. દરિયાકાંઠા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાય અને દરિયો તોફાની બને એવી શકયતાને અનુલક્ષીને માછીમારોને હજુ બે દિવસ દરિયો ન ખેડવા સૂચવાયું છે.

હાલ ઉત્તર-પૂર્વીય મધ્ય પ્રદેશ અને તેને સંલગ્ન દક્ષિણ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં દરિયાની સપાટીથી ૩.૧ કિલોમીટર ઉપર લો-પ્રેશર સર્જાયેલુ છે. સૌરાષ્ટ્ર પર તેની અસરરૂપે વરસાદ થવાની સંભાવના નકારી શકતી નથી.

જામનગર

જામનગર : આજનું હવમાન ૩૪.૬ મહત્તમ, ર૭ લઘુતમ, ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ,  ર.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:50 am IST)