Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બેટી નજીક પ્લાસ્ટીકના દાણા ભરેલો ટ્રક નદીમાં ખાબકયોઃ ડ્રાઇવરનું મોત

થોડા દિવસ અગાઉ યાત્રાળુઓની પીકઅપ વેન નદીમાં ખાબકતાં ચારનો ભોગ લેવાયો હતોઃ સિક્કાના રાધેશ્યામ ડાભી (ઉ.૨૮)એ દમ તોડ્યોઃ ત્રણને ઇજા

જ્યાં ટ્રક ખાબકયો તે બેટીનો પુલ અને ડ્રાઇવરનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય (તસ્વીરઃ ભીમજી સોઢા-કુવાડવા)

રાજકોટ, તા., ૧૮: કુવાડવા રોડ ઉપર  રામપર બેટીના પુલ પરથી થોડા દિવસ પહેલા યાત્રાળુઓની  એક જીપ ખાબકતા ૪ વ્યકિતઓનો ભોગ લેવાયો હતો. ત્યાં જ આજે જામનગરથી અમદાવાદ તરફ જઇ રહેલો  ટ્રક પુલ પરથી ખાબકતા ટ્રક ચાલકનું મોત નિપજયું હતું. જયારે અન્ય ત્રણ વ્યકિતને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ ઉપર આવેલા રામપર બેટીના પુલ પરથી એક જીજે-૧ર-એયુ-૮રપ૯ નંબરનો પ્લાસ્ટીકના દાણા ભરેલો ટ્રક ખાબકતા અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને થોડીવાર સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. આ બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ એ.આર.મોડીયા, પીએસઆઇ આર.એલ.ખટાણા, હેડ કોન્સ્ટેબલ કે.સી.સોઢા,  હિતેષભાઇ ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફીક કલીયર કર્યો હતો અને પુલ નીચે તપાસ કરતા ટ્રક નીચે દબાયેલા વ્યકિતઓને તાત્કાલીક બહાર કાઢી હોસ્પીટલે ખસેડાયા હતા જેમાં ટ્રક ચાલક રાધેશ્યામ વશરામભાઇ ડાભી (ઉ.વ.ર૮) (વણકર) (રહે. જામનગર, સિક્કા)નું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. આ ટ્રક જામનગરથી પ્લાસ્ટીકના દાણા ધરી અમદાવાદ જઇ રહયો હતો. મૃત રાધેશ્યામ બે ભાઇઓ અને બે બહેનોમાં નાનો હતો.  આ અંગે કુવાડવા પોલીસે કાર્યવાહી કરી છે.

(3:51 pm IST)