Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભુજમાં મિલ્કતના ડખ્ખામાં બેવડી હત્યા કરનાર આરોપી સગો ભાઇ ઇસ્માઇલશા પીર સૈયદ પણ બેભાન હાલતમાં

ભુજ તા. ૧૮ : માણસના મનમાં સવાર થઈ ગયેલો શેતાન ઘણીવાર ન કરવાનું કરાવી દે છે. ભુજમા બનેલી એક અરેરાટી ભરી ઘટનાએ સૌને ધ્રુજાવી દીધા છે. એક જ પરિવારને જીવતા સળગાવી દેવાની આ ઘટના, આ કૃત્ય આચરનારાની ઉંમર અને મૃત્યુ પામનારાઓ વચ્ચેનો તેમનો સબંધ એ સૌને વિચારતા કરી મૂકે તેવો છે, શુ આવું શેતાનીયતભર્યું કૃત્ય કોઈ કઈ રીતે કરી શકે?

ભુજના મહાદેવનાકા પાસે આવેલા વંડી ફળિયામાં રહેતા એક માત્ર મુસ્લિમ સૈયદ પરિવાર માં સર્જાયેલ આ બનાવની વિગત આ પ્રમાણે છે અહીં રહેતા મોહમ્મદ ઇસ્માઇલ પીર સૈયદ પરિવાર ના ઘરમાં રાત્રીના સમયે પેટ્રોલ છાંટીને આગ લગાડાઈ હતી. મધરાતે દોઢ વાગ્યાના અરસામાં બનેલા આ બનાવમાં આગે ઉગ્ર બનતા ઘરમાં રહેતા સભ્યો તેમાં જીવતા ભૂંજાયા હતા. જેમાં ઝુલેખા મોહમ્મદ ઇબ્રાહિમ પીર સૈયદ (ઉંમર ૪૨) અને શેરબાનું મોહમ્મદ પીર સૈયદ (ઉંમર ૬૫) નું જીવતા ભૂંજાઈ જવાથી મોત નીપજયું હતું. મૃત્યુ પામનાર બન્ને મા દીકરી હતા. જયારે પરિવારના વડીલ ૬૫ વર્ષીય મોહમ્મદ ઇસ્માઇલ પીર સૈયદ અને સાબેરા પીર સૈયદ એ બન્નેની હાલત ગંભીર છે. બધાને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.

આ ફિટકાર ભર્યું કૃત્ય પીર સૈયદ પરિવારના ૮૫ વર્ષના વૃદ્ઘ મોભી યુશુફશા ઇસ્માઇલશા પીર સૈયદે આચર્યું હોવાની ફરિયાદ કરાઇ છે. તેમણે મિલકતના વિવાદમાં પોતાના નાનાભાઇ ના પરિવારને જ આગ ચાંપી દીધી મકાનના મિલકત સબધી વિવાદના કારણે પરિવારના મોટાબાપુ એ હીંચકારું કૃત્ય આચરાયું હતું. જેમના ઉપર બેવડી હત્યા અને હત્યાના આરોપનો ગુનો દાખલ છે તે વયોવૃદ્ઘ આરોપી ઇસ્માઇલશા પીર સૈયદ પણ જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે હજી બેભાન છે.

મુસ્લિમ પીર સૈયદ પરિવાર માટે ઇદની ઉજવણી આખરી બની હતી. મૃત્યુ પામનાર પરિવારનો માળો વેરવિખેર થયો હતો તો હવે આ કૃત્ય આચરનાર વયોવૃદ્ઘ વડીલ માટે પોલીસ, કોર્ટ અને જેલ ની કાયદાકીય પ્રક્રિયામાં થી પસાર થવું પડશે. આ ફીટકાર ભર્યા કૃત્યથી વંડી ફળીયા ઉપરાંત સમગ્ર ભુજમાં અરેરાટી છવાઈ ગઈ છે.(૨૧.૧૩)

(11:48 am IST)