Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડુઃ દિપક માલાણીને સસ્‍પેન્ડ કરાતા સાવરકુંડલા તાલુકાના ૧પ૦ આગેવાનોના રાજીનામા

અમરેલી :ગુજરાતમાં કોંગ્રેસ પર સંકટોના વાદળો વધુ ઘેરાઈ રહ્યા દેખાય છે. કોંગ્રેસમાંથી રાજીનામાની મોસમ હજી અટકી નથી. માર્ચ મહિનામાં અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપને અપનાવી ચૂક્યા છે. જેમાંના કેટલાકને તો ભાજપમાં મંત્રીપદ મળ્યું છે. આવામાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા માટે પક્ષપલટો રોકવો મુશ્કેલ બની રહ્યો છે. તાજેતરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે તેમના મત વિસ્તારમા વિરોધનો સૂર ઉભો થયો હતો. જ્યારે હવે તેમના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. સાવરકુંડલા તાલુકાના 150 કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે.

સાવરકુંડલાના સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી સાથે પક્ષને પોતાના રાજીનામા ધર્યા છે. જિલ્લા પંચાયતની વિજપડી અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યોએ રાજીનામા આપ્યા છે. તો લાલભાઈ મોર અને રમીલાબેન માલાણીએ પણ રાજીનામુ આપ્યું છે. રાજીનામા સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાતના વિસ્તારમાં કોંગ્રેસને મોટો ફટકો સમાન છે. 2019ની ચૂંટણી ટાંણે કોંગ્રેસના કાંગરા ખર્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિપક માલાણીને સસ્પેન્ડ કરતા જુના કોંગ્રેસીઓ નેતાઓની બેઠક મળી હતી. બેઠકમાં દિપક માલાણીના સમર્થનમાં 150 જેટલા કાર્યકર્તાઓ ઉભા થયા હતા, અને તમામ પક્ષને રાજીનામા ધર્યા છે. ત્યારે ગત કેટલાક દિવસોથી ભાજપ તરફ વહી રહેલી ગંગાને જોતા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાય તો નવાઈ નહિ. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા અને ધ્રાંગધ્રા-હળવદનાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા.

(4:59 pm IST)