Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જ્યાં સુધી ભગાભાઇને ન્યાય ન મળે ત્યાં સુધી ભાજપને મત નહીઃ સોમનાથમાં આહિર સમાજ દ્વારા ગગનભેદી નાદ સાથે સંકલ્પ

ધારાસભ્યપદેથી કિન્નાખોરીપૂર્વક સસ્પેન્ડ કરાતા ભાજપ સરકાર સામે ભભૂકતો આક્રોશ

વેરાવળ તા.૧૮: તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપ સરકાર સામે આહિર સમાજનો આક્રોશ ભભુકી ઉઠ્યો છે અને ભાજપ સરકાર દ્વારા સસ્પેન્ડ કરવાના નિર્ણયના વિરોધમાં શ્રી સોમનાથ ખાતે આહિર સમાજનુ મહા સંમેલન મળ્યુ હતુ જેમાં ભગાભાઇ બારડને ન્યાય આપવા આક્રોશભેર માંગણી થઇ હતી.

આહિર સમાજના સંમેલનમાં  રાજકોટના આહિર સમાજના અગ્રણી અને કોર્પોરેટર વિજયભાઇ વાંકે.સ્ટેજ ઉપરથી આહિર સમાજના ભાઇઓ બહેનોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

જેમા વિજયભાઇ વાંકે જાહેરમાં કહ્યુ હતુ કે જયાં સુધી તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડને ન્યાય ન મળે ત્યાં સુધી ભાજપને મત નહી આપીએ તેમ કહીને આહિર સમાજના આગેવાનો લોકોએ બે હાથ ઉંચા કરીને સંકલ્પ લીધા હતા.

આ તકે ભગાભાઇ તુમ આગે બઢો... હમ તુમ્હારે સાથે હૈ ના નાદ ગુંજ્યા હતા અને ભગાભાઇને ન્યાય આપો... ન્યાય આપો...ના સુત્રો પોકાર્યા હતા.

આ સંમેલનમાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડે જણાવ્યું હતું કે, કોર્ટનો હુકમ શિરોમાન્ય પરંતુ હુકમ સામેના મનાઇહુકમ બાદ સરકાર પક્ષે જ કાવા દાવા કરવામાં આવ્યા તેની સામેની આ લડાઇ છે. આહીર સમાજે સૂચક નિર્ણય કરવાનો છે. મારા સસ્પેન્શન સામે વેરાવળ કોર્ટમાં ચાલતા કેસમાં સરકારે રાજકોટથી સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરી છે. આ રીતે આટલી હદે અન્યાય કરી પાડી દેવાની કિન્નાખોરી સરકારે રાખી છે. 'આવે તો દૂધે ધોયે લો, ન આવે તો પાડી દો'ની ભાજપની નીતિ સામે પ્રહાર કર્યા હતા. સંમેલનમાં અન્ય આગેવાનોએ પોતાના ઉદબોધનોમાં ભાજપ સરકાર આહીર સમાજના આગેવાનો સામે કિન્નાખોરી રાખતી હોવાનો આક્ષેપ કરી આગામી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા સંગઠીત બનવા આહવાન કર્યુ હતું. સમાજ સંગઠીત હશે તો જ અન્યાય સામે ન્યાય મળશે તેવી હુંકાર ભરી હતી. સમાજની વાજ જયારે આવે ત્યારે પાર્ટી કોરાણે મૂકવી જોઇએ. ભાજપ સરકારે વેર વાળવા કિન્નાખોરી રાખી ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. ગુજરાતમાં દરેક તાલુકામાં બેઠક કરી આહીર સમાજને થયેલા અન્યાય સામે લડત ઉગ્ર બનાવી જડબાતોડ જવાબ આપવા આહવાન તેમણે કર્યુ હતું.

સમેલનના પ્રારંભમાં પુલવાની ઘટનાના શહીદ જવાનોને બે મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલિ અપાઇ હતી. જયારે સંમલનમાં ગુજરાત-સૌરાષ્ટ્રના આહીર સમાજના આગેવાનોની સુચક ઉપસ્થિતિ હતી.

વેરાવળમાં આહીર સમાજની વાડીએ મળેલા શકિતસંમલેનમાં આહીર સમાજના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, અંબરીશ ડેર, ગુજરાત આહીર સમાજના ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયા, રણમલભાઇ વારતોરીયા, કાનભાઇ કાનગડ પાલાભાઇ આંબલીયા, લક્ષ્મણભાઇ પીઠીયા, અર્જુનભાઇ ખાટરીયા, ડો.ડી.એલ.રામ, રાજુભાઇ ડાંગર, હરદાસભાઇ ખવા, સમીરભાઇ મારૂ, ભરત નંદાણીયા, પ્રગતિબેન આહીર, બાબુભાઇ રામ સહિત મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૧૭.૨)

(11:31 am IST)