Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત

અમરેલી જિલ્લામાં બેંકોમાં નાણાની લેવડ દેવડ પર નજર રખાશે : કલેકટર ઓક

અમરેલી તા. ૧૮ : કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકએ જાહેર અને ખાનગી બેંકો, તિજોરી શાખા, ઈન્કમ ટેકસ તેમજ પોસ્ટ વિભાગના કર્મચારીઓ - અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન થતાં ખર્ચ અને નાણાંની લેવડદેવડ અંગે સવિસ્તાર માહિતી આપી હતી.

આ વિષય પર ચર્ચા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકએ જણાવ્યું હતુ કે સમગ્ર જિલ્લાની જાહેર કે ખાનગી બેંકોએ એક લાખથી વધુનાં શંકાસ્પદ ટ્રાંઝેકશનોની વિગતો મોકલવાની રહેશે. જો આ રકમ ૧૦ લાખથી વધુ હોય તો કાયદાકીય પગલા લેવા આવકવેરા વિભાગનાં નોડલ અધિકારીને મોકલવાની રહેશે. દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતું ખોલાવવાનું રહેશે. આ ખાતું રાજયની સહકારી બેંકો સહીત કોઈપણ બેંક કે પોસ્ટઓફિસમાં ઉમેદવારના નામે અથવા ચૂંટણી એજન્ટ સાથે સંયુકત નામે પણ ખોલાવી શકાશે. આ સાથે તમામ બેન્કોને સૂચના આપતા જણાવ્યું હતું કે રોકડ લઇ જતી આઉટસોર્સ્ડ સંસ્થા કે કંપનીની રોકડ વાન બેંક સિવાયના અન્ય પક્ષ સંસ્થા/વ્યકિતઓની રોકડ લઇ શકશે નહિ. આ વાન દ્વારા લઇ જવાતી રોકડ રકમના તમામ દસ્તાવેજો સાથે રાખવા પડશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.જી. આલ,  જિલ્લા તિજોરી અધિકારીશ્રી સુવા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:47 am IST)