Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કચ્છ જિલ્લામાં ચેપી - બિનચેપી રોગો અટકાવવા સર્વેની કામગીરી વધારાશે

જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં સમીક્ષા કરતા ડીડીઓ પ્રભવ જોષી

ભુજ તા. ૧૮ : કચ્છમાં ચેપી અને બિનચેપી રોગોને અટકાવવા જિલ્લાકક્ષાની સંચારી રોગો સંકલન સમિતિની બેઠકને સંબોધતાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ સર્વેલન્સની કામગીરી વધારવી જરૂરી હોવાનું જણાવી આરોગ્યકર્મીઓને ફિલ્ડ કામગીરીને વધારવા નિર્દેશ આપ્યો હતો.

ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી ચેપી અને અટકાવવા જરૂરી બિનચેપી રોગો સામે જિલ્લામાં અટકાયતી પગલાંઓની આવશ્યકતા જણાવતાં શ્રી જોષીએ ભેદી તાવ કોંગો ફીવર સહિતના સ્વાઇન ફલુ, ટી.બી. વગેરે માટે ગ્રામ્યકક્ષાએ જરૂર જણાયે મેડીકલ કેમ્પ કરવા સાથે લોકોને જરૂરી જાણકારી ઉપલબ્ધ કરાવી લોકજાગૃતિ વધારવા આરોગ્ય અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ડીડીઓ પ્રભવ જોષીએ ઉર્ષ, મેળાઓ વગેરે પ્રસંગે કેલેન્ડર બનાવી પ્રો એકટીવ કામગીરી કરવાની જરૂરિયાત જણાવી શૈક્ષણિક સંકુલ આસપાસ તમાકુના વેંચાણ ઉપર ઝુંબેશ ચલાવવા સાથે શહેરીક્ષેત્ર બહાર અને ગ્રામ્યકક્ષાએ તંબુ બાંધી ઉપચાર કરતા કે ખોટી માહિતી આપી પ્રેકટીસ કરતાં ઉપર નજર રાખી જરૂર જણાયે તપાસણી કરી તેને બંધ કરાવવા આરોગ્ય વિભાગને નિર્દેશ આપ્યો હતો.

સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે બેઠકને સંબોધતાં રાજયમાં અમરેલી પછી બીજા નંબરે કચ્છમાં જીવલેણ કોંગો ફીવરના કેસોની માત્રા ઘટાડવાના ઉપાયો ઉપર વિસ્તૃત જાણકારી આપી હતી.  ઉપરાંત ડો. બુચે હડકવાના કિસ્સાઓમાં અપાતી સારવારને વઘુ ઘનિષ્ઠ બનાવવાની સાથે સ્વાઇન ફલુના કેસોમાં વધુ સુસજ્જતા કેળવવા ઉપર ભાર મુકયો હતો.

સીડીએચઓ ડો. પંકજકુમાર પાંડેએ ચેપી અને બિનચેપી રોગ અટકાયતનાં પગલાં વિશે માર્ગદર્શન આપતાં પશુધન ચરાવતાં પશુપાલકો ઢોરોને આખો દિવસ ચરાવીને આવે ત્યારે કપડા બદલી નાખવા જોઇએ તેમજ ન્હાઇ લેવાંની આવશ્યકતા ઉજાગર કરતાં કોંગો ફીવર જેવા ઘાતક રોગોથી બચી શકાય છે, તેમ જણાવ્યું હતું. ડો. પાંડેએ દુધ ઉકાળીને જ પીવા ઉપર ખાસ ભાર મૂકયો હતો.

ગેઇમ્સના ડો. નિમિષ પંડ્યાએ પણ સંચારી અને બિન સંચારી રોગોનાં અટકાયતી પગલાંઓનો નિર્દેશ કરી સારવારની ઉપલબ્ધ પધ્ધતિ, દવાઓ અને વેકસીન બાબતે પ્રકાશ પાડ્યો હતો.

ડો. કુરમીએ સંચારી રોગોના લક્ષણો, ઉપચારો, રસીકરણ કરાવવા સહિત સમુદ્ર કિનારે રહેતા લોકોને ખાસ ખ્યાલ રાખવો જરૂરી હોવાનું જણાવી અટકાયતી પગલાંઓમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની સતર્કતા ઉપર ભાર મૂકયો હતો અને જરૂરી વેકસીન ઉપલબ્ધ રાખવાની જરૂરિયાત જણાવી હતી.

(9:46 am IST)