Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરેન્‍દ્રનગર-ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં ભૂકંપના હળવા આંચકા

લાંબા સમય બાદ ધરા ધ્રુજતા લોકોમાં ભયઃ તિવ્રતા ઓછી હોવાથી હાશકારો

રાજકોટ, તા. ૧૨ :. આજે બપોરે સુરેન્‍દ્રનગર, ગોંડલ, કોટડાસાંગાણી પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાય ગયો છે.

ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમા જણાવાયુ છે કે, આજે બપોરે ૧૨.૪૯ વાગ્‍યે સુરેન્‍દ્રનગરથી દક્ષિણ દિશા તરફ ૩૦ કિ.મી. દૂર ૨.૦ તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જ્‍યારે બપોરે ૧.૦૩ વાગ્‍યે સુરેન્‍દ્રનગરથી ૩૨ કિ.મી. દૂર કેન્‍દ્ર બિન્‍દુ ધરાવતો ૧.૭ તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્‍યો હતો.

બપોરે ૨.૩૬ વાગ્‍યે ગોંડલથી ૧૧ કિ.મી. દૂર ૨.૭ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો કોટડાસાંગાણીના હડમતાળામાં પણ અનુભવાયો હોવાનું જાણવા મળ્‍યુ છે.

જો કે આંચકાની તિવ્રતા ઓછી હોવાથી લોકોમાં હાશકારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વારંવાર વાતાવરણમાં અસ્‍થિરતા જોવા મળી રહી છે. જેમાં કમોસમી વરસાદ, ઝાકળવર્ષા તથા ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી જામનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તિવ્રતા સામાન્‍ય હતી.

 

(3:43 pm IST)