Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

હળવદના ઘનશ્યામગઢ-માળીયા મિંયાણાના જુના ઘાંટીલા-ખાખરેચી-વેજલપરમા શહીદ યાત્રાનું આગમનઃ મોરબીથી હાર્દિક પટેલ યાત્રામાં જોડાશે

મોરબી-હળવદઃ ઉંઝા ઉમીયાધામથી તા.ર૪-૬ના રોજ પ્રસ્થાન થયેલ પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા શહીદોના પરીવારજનોને ન્યાય મળે, પાટીદાર આંદોલન દરમિયાન થયેલ ખોટા કેસ પાછા ખેંચવામાં, દોષીત અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે, પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે તેમ સહીતની મુખ્ય ચાર માંગો સાથે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ગત મોડી સાંજના પાટીદાર અનામત આંદોલન સમીતી આયોજીત પાટીદાર શહીદ યાત્રા આવી પહોંચતા રાત્રીના શહીદોના માનમાં રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે સવારના ૯ વાગ્યે શહીદ પાટીદાર સ્વ. પંકજ પટેલના નિવાસસ્થાનેથી શહીદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો, મહીલાઓ તેમજ આગેવાનો જોડાયા હતા. પાટીદાર શહીદ યાત્રા તાલુકાના ઘનશ્યામગઢ ગામે મોડી સાંજના આવી પહોંચતા શહીદ સ્વ. પંકજ પટેલના પરીવારજનો અને ગ્રામજનો દ્વારા શહીદોની આરતી ઉતારી તેઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. ઘનશ્યામગઢ ગામે સ્વ. પંકજ પટેલના પરીવારજનોએ જણાવ્યું હતું કે અમારા પંકજ સહીત શહીદ થયેલા યુવાનોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. ટીકર ગામે પહોંચતા ટીકરના પાટીદાર સમાજના લોકોએ આવકાર આપી શહીદ યાત્રાનું સ્વાગત કર્યુ હતું. જયારે શહીદ યાત્રા ઘનશ્યામગઢથી પ્રસ્થાન થઇ ટીકર, ઘાટીલા સહીત માળીયા, મોરબી, ટંકારાના સહીત વિવિધ ગામોમાં ફરશે. તેમજ આજે મોરબીથી પાસના નેતા હાર્દિક પટેલ શહીદ યાત્રામાં જોડાશે.

માળીયા મિંયાણામાં જુના ઘાટીલા વેજલપર અને ખાખરેચી પાટીદાર યુવા કાર્યકરોએ ઢોલના તાલે શહીદ યાત્રાનું સ્વાગત કર્યુ હતું આજે સવારે હળવદના ઘનશ્યામગઢ ગામે સ્વ.પંકજ પટેલના નિવાસસ્થાને શરૃ કરાયેલ શહીદયાત્રા ટીકર ઘાંટીલા વેજલપર અને બપોરે ૧ વાગ્યે ખાખરેચી ગામે પહોંચી હતી. જે માળીયા મોરબી અને ટંકારા તાલુકાઓમાં ફરશે જે શહીદયાત્રા સાંજે મોરબી ખાતે પહોંચશે. જયાથી પાસ નેતા હાર્દિક પટેલ શહીદ યાત્રામાં જોડાશે. ઉંઝાથી શરૃ થયેલ શહીદયાત્રા ઘનશ્યામગઢ થઇ જુના ઘાંટીલા પહોંચી હતી. ત્યાથી મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહીત મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. ખાખરેચી ગામે પાટીદાર યુવા કાર્યકરોએ ઢોલના તાલે શહીદયાત્રાનું શાનદાર સ્વાગત કર્યુ હતું. આમ માળીયા પંથકમાં ઠેર-ઠેર શહીદયાત્રાને આવકાર આપી સ્વાગત કર્યુ હતું. આ શહીદયાત્રામાં ધારાસભ્યશ્રી મોરબી પાસ કન્વીનર મનોજ પનારા સુરત પાસ કન્વીનર દિલીપભાઇ તેમજ ખાખરેચી ગમના યુવા પાસ કન્વીનર મહેશ પારજીયા, રાહુલ કાલરીયા અને જીલ્લા પંચાયત સદસ્ય રમેશ વિડજા સહીતના પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. શહીદ યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

(6:02 pm IST)