Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જૂનાગઢમાં દંપતી સંચાલિત જુગારધામનો પર્દાફાશ : ૩ મહિલા સહિત ૧૨ની ધરપકડ

રોકડ તેમજ મોબાઇલ સહિત રૂ. ૪૧૯૩૦નો મુદ્દામાલ કબ્જે

 જૂનાગઢ તા. ૯ : જુનાગઢમાં ગત રાત્રે પોલીસે દંપતી સંચાલિત જુગારધામનો પર્દાફાશ કરી ૩ મહિલા સહિત ૧૨ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂ. ૪૧૯૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  જુનાગઢ શહેર - જિલ્લામાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિને ડામવા કાર્યવાહી કરવા એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી જુનાગઢ સી-ડીવીઝનના પી.એસ.આઇ. ડી.કે.વાઘેલાએ મળેલી બાતમીના આધારે શહેરમાં ટીંબાવાડીના મધુરમ વિસ્તારમાં આવેલ નિધી પેલેસ-બીના બ્લોક નં. ૨૦૧માં રહેતા યોગેશ ચંદુલાલ રૂપારેલીયાના ઘરે જુગાર અંગે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે યોગેશ અને તેની પત્ની પૂજાને જુગાર અખાડો ચલાવતા પકડી પાડી અને તેને ત્યાં જુગાર રમતા આવેલ હિરાલાલ જમનાદાસ ઝાલાવડીયા, કાર્તિક કિશોર વસવેલીયા, તુષાર સાગઠીયા, યુનુસ ગફાર સોરઠીયા, હનીફ ઇસા ઘાંચી, શાંતિલાલ જસમત પટેલ, રફીક હસન, નીતાબેન ભોવાન તેરૈયા અને અનસુયા ઉર્ફે ચકુ ભીખા ઉભડીયા સહિત ૧૨ જણાને ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂ. ૩૩૪૩૦ની રોકડ તેમજ ૧૧ મોબાઇલ સહિત કુલ રૂ. ૪૧૯૩૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પતિ - પત્ની સંચાલિત જુગારધામ પકડાતા ચકચાર મચી ગઇ હતી.(૨૧.૧૩)

(12:15 pm IST)