Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધારીના ત્રંબકપુરમાં છ બહેનના એકના એક ભાઇ મનોજ ભેડાની આત્મહત્યા

સુવાવડ કરવા ગયેલી પત્નિ પાછી જ ન આવતાં પગલું ભર્યુઃ દલિત યુવાને એસિડ પી લેતાં રાજકોટ ખસેડાયોઃ પણ સારવાર કારગત ન નિવડી

રાજકોટ તા. ૯: ધારીના ત્રંબકપુર ગામમાં રહેતાં મનોજ સવજીભાઇ ભેડા (ઉ.૨૫) નામના દલિત યુવાને ગઇકાલે સવારે દસેક વાગ્યે એસિડ પી લેતાં અમેરલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું સાંજે મોત નિપજ્યું હતું.

કરૂણતા એ છે કે મનોજ છ બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો. તે ટોરસ ગાડી હંકારી ગુજરાન ચલાવતો હતો.  બનેવી મુકેશભાઇના કહેવા મુજબ મનોજના લગ્ન પરબ નજીકના ખંભાળીયાની કૈલાસ સાથે થયા હતાં. બે મહિના પહેલા જ કૈલાસે દિકરીને જન્મ આપ્યો છે. તે સુવાવડ કરવા માવતરે ગયા બાદ હવે પરત આવતી ન હોઇ અને તેના પરિવારજનોએ છુટાછેડાની વાત કરતાં મનોજ ચિંતામાં ડુબી ગયો હતો.

કૈલાસને અને તેના પરિવારજનોને સમજાવવા પોતે (મુકેશભાઇ) સહિતના લોકો શનિવારે રાત્રે ખંભાળીયા ગયા હતાં. રવિવાર સવાર સુધી ચર્ચાઓ ચાલી હતી. પરંતુ કૈલાસે પરત સાસરે આવવાની ના પાડી દેતાં આ બાબતે મનોજને ફોનથી જાણ કરાઇ હતી. એ પછી તેણે એસિડ પી લીધું હતું. એકના એક દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

(12:15 pm IST)