Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ધોરાજીમાં રોયલ સ્કૂલ હોસ્ટેલમાં રહી ભણવુ ગમતુ ન હોવાથી મીઠાપુરનો વિદ્યાર્થી ઘરેથી પલાયન થયેલ

પોલીસ અને સામાજિક અગ્રણીઓની જહેમતથી ગુમ થયેલ વિદ્યાર્થી મળી આવ્યો

ધોરાજી તા.૦૭:   હાલના ભારયુકત ભણતર હેઠળ ડિપ્રેશનમાં આવી વિદ્યાર્થીઓ ક્યારેક અઘટિત પગલું ભરી લેતા હોય તેવા કિસ્સા છાશવારે નઝર સમક્ષ આવતા હોય છે.

આ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો.હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવો ગમતો ન હોવાથી એક વિદ્યાર્થી બે દિવસ ગુમ થઈ જતા તેના પરિવારજનો અને પોલીસ ધંધે વળગી હતી.

ધોરાજી પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ ના વેરાવળ પાસે આવેલ મીઠાપુર ગામના રહીશ જેસુખભાઇ સોલંકી (આહીર) ધંધો ખેતીકામ વાળાનો પુત્ર  જયદીપ જેસુખભાઈ સોલંકી ધોરાજીમાં આવેલ રોયલ સ્કૂલ હોસ્ટેલ ખાતે  ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હોય જે ગત જન્માષ્ટમીની રજા દરમિયાન પોતાના વતન મીઠાપુર ગામે ગયેલ અને રજાઓ પુરી થતા એસ. ટી. બસ દ્વારા ધોરાજી પરત આવેલ પરંતુ તે હોસ્ટેલમાં નહીં પોહચતા તેમના વાલી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.

વિદ્યાર્થી જયદીપ તા.૪/૯/૧૯ ના નીકળી ગયેલ જે ગુમ થઈ જતા પરિવારજનો અને ગ્રામ અગ્રણીઓ તેના સ્નોહી, સંબંધીને ત્યાં શોધખોળમાં લાગી ગયા હતા. અને મીઠાપુરના અગ્રણી રાજુભાઈ સોલંકી સહિત જેસુખભાઇ અને કુટુંબીજનો ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે આવી પોલીસ ઇન્સ્પેકટર વિજય જોશીને બાળકનું ગુમ થયા અંગેની રજૂઆત કરતા ધોરાજી પોલીસે તાત્કાલિક ધોરણે ગુમ થયેલા જયદીપ સોલંકી ના ફોટોગ્રાફ્સ તેમજ તેમનું શારીરિક વર્ણન નોંધ કરી સોશિયલ મીડિયા દ્વારા તેના ફોટોગ્રાફ્સ તેમજ તેમના પહેરેલા કપડા અને શરીરના બાંધા વિશે મેસેજ લખી સર્ક્યુલર કર્યો હતો .બીજી તરફ જયદીપના પરિવારજનો ધોરાજી એસટી ડેપો ખાતે જઈ એસટી વિભાગના અધિકારીઓના સહકારથી એસટી ડેપોમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તારીખ ૪ /૯/ ૧૯ ના રોજ બપોરે એક વાગ્યાની આસપાસ જયદીપ ધોરાજી ડેપો માં જોવા મળ્યો હતો.

૪ તારીખે મીઠાપુર થી ધોરાજી પહોંચી ગયેલો જયદીપ ધોરાજી બસ સ્ટેશનના દેખાયા બાદ ક્યાં ગુમ થયો હશે તે પ્ર્શ્ન  સૌ કોઈને મૂંઝવી રહ્યો હતો. અને ધોરાજી પોલીસે જયદીપ ને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

બીજી તરફ ધોરાજી પોલીસ દ્વારા ગુમ થયેલા વિદ્યાર્થી જયદીપ ની માહિતી સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરતાં વેરાવળ ખાતે એસટી ડેપોમાં કોઈ વિદ્યાર્થીએ આ ફોટોગ્રાફ્સ જોતાં ગુમ થયેલ જયદીપ વેરાવળ ડેપો માં જોવા મળતાં તેમણે તાત્કાલિક ફોટો સાથે અપાયેલા નંબરમાં જાણ કરતાં વિદ્યાર્થીના પરિવારજનોને હાશકારો થયો હતો અને ગુમ થયેલ વિદ્યાર્થી તેમના વતન મીઠાપુર નજીક વેરાવળ ડેપો માંથી મળી આવ્યો હતો.

ત્યારબાદ વિદ્યાર્થી અને તેમના પરિવારજનો ધોરાજી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર વિજય જોશી અને પોલીસ સ્ટાફ નો આભાર માન્યો હતો.

ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર વિજય જોષીએ વિદ્યાર્થીને ઘરેથી અજાણી જગ્યાએ ચાલ્યા જવાનું કારણ પૂછતાં તેમણે જણાવેલ કે ધોરાજી રોયલ સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે રહી અભ્યાસ કરવો ગમતું ન હોય આથી પોતાના ઘરેથી નીકળી ધોરાજી આવેલ અને ત્યાંથી પરત જુનાગઢ જતો રહેલ જ્યારે રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં બે દિવસ રહ્યા બાદ પરત વેરાવળ જતો રહેલ.

આમ આવા લાલબત્તી રૂપ કિસ્સાઓ બનતા હોય છે જેમાં વિદ્યાર્થી અને વાલીઓ બંને એ જરૂર વિચારવું રહ્યું

(11:24 am IST)