Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

હળવદના માનગઢ ગામે ૨૫ છાપરા ઉડયા : મોરબીમાં રાત્રે વાવાઝોડુ

માનગઢમાં ૩ને ઇજા : ટીકરમાં ગાય ઘવાઇ : સુખપુરમાં વિજળીથી મોત : મોરબીમાં વૃક્ષો - વિજ પોલ ધરાશાયી

મોરબી તા. ૬ : મોરબી જિલ્લામાં સાવત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ માળિયા તાલુકામાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો અન્ય મોરબી,વાંકાનેર અને હળવદમાં ૧.૫ કરતા વધુ વરસાદ વરસ્યો હતો જયારે ટંકારામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે તો મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા જેને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઙ્ગમોરબી જીલ્લામાં મોડી સાંજે મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેમાં મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ મોરબી ૩૭ એમએમ, વાંકાનેર ૪૦ એમએમ, હળવદ ૩૫ એમએમ, ટંકારા ૨૨ એમએમ અને માળીયામાં ૫૪ એમએમ વરસાદ નોંધાયો હતો. સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું હતું તો ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નુકસાની જોવા મળી છે આ વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના સ્થળોએ અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ફીડરો બંધ પડી ગયા છે. જેમાં મોરબીના ૧૫, મોરબી ગ્રામ્યના ૨૫ ફીડરનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત પીજીવીસીએલના ટીસી અને વિજપોલોને પણ ઘણું નુકસાન થયું છે. તો અનેક સ્થળે ઝાડ પણ પડ્યા છે તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલનો સ્ટાફ ચાલુ વરસાદે કામે લાગી ગયો હતો અને રાત્રીના જ લોકોને વીજળી પુરવઠો કાર્યરત કર્યો હતો. મોરબીમાં પોલીસ લાઈન, સ્મશાન રોડ-લીલાપર રોડ, ખત્રીવાડ, વિશીપરા, રવાપર રોડ સહિતના અનેક સ્થળે ઝાડ પડ્યા હતા અને ઝાડ વીજતાર પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો અને થોડા કલાકો સુધી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો પીજીવીસીએલનો લેનલાઈન નંબર પણ ન લાગતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

તો હળવદમાં આવેલ ભારે પવન અને વરસાદને કારણે રણકાંઠાના માનગઢ ગામે ૨૫ જેટલા મકાનોના પતરાં ઉડ્યા હતા. આ પતરા ઉડવાના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયારે ટીકર ગામે પતરૂ જવાના કારણે ગૌવંશની ઇજાઓ પહોંચી હોવાનુ પણ સામે આવ્યું છે. સાથે જ વીજ પોલ પણ ધરાશાયી થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જયારે તાલુકાના જોગડ ગામે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.આ ઉપરાંત હળવદ તાલુકાના સુખપર ગામે પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં દિલીપભાઈ બાવલભાઇના ફળિયામાં વીજળી પડતાં એક ગૌવંશનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

(11:18 am IST)