Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કચ્છમાં 'મહા' એલર્ટઃ ધોધમાર વરસાદ વચ્ચે ફરી વરસાદની આગાહી

વાવાઝોડા સામે જીલ્લા અને તાલુકા કક્ષાએ કંન્ટ્રોલ રૂમ,એનડીઆરએફ સાથે સંપર્ક, કોસ્ટગાર્ડ સજ્જઃ જખૌમાં જરૂરત પડયે લોકોનું સ્થળાંતર તમામ બોટ કિનારે

ભુજ,તા.૫: કચ્છમાં ગઈકાલ ૪ તારીખથી જ 'મહા' વાવાઝોડાની અસર વરતાઈ રહી છે. ગઈકાલે બપોરથી સાંજ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ઠંડી હવા સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું. કચ્છના દસે દસ તાલુકાઓમાં આવેલા હવામાનના પલ્ટા વચ્ચે ચાર તાલુકાઓ નલિયા, નખત્રાણા, ભચાઉ અને મુન્દ્રાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો લખપત તાલુકામાં ઝાપટાં પડ્યા. જોકે, મહા વાવાઝોડું નબળું પડ્યા પછી પણ હવે બુધ અને ગુરુવારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાનું છે

એ જોતાં કચ્છમાં પણ તેની અસર થશે. મહા સામે પહોંચી વળવા કચ્છનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. કલેકટર નાગરાજને કચ્છમાં ભુજ સહિત જિલ્લા અને તાલુકા કક્ષાએ રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ ચાલુ રહેશે એવું જણાવ્યું છે. તો, જરૂરત પડ્યે એનડીઆરએફની ટીમની મદદ લેવાની તૈયારી પણ દર્શાવી છે.

કચ્છ જિલ્લા હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે આવતીકાલે બુધવારે રાત્રે જયારે સૌરાષ્ટ્રના દિવ પોરબંદર વચ્ચે આ વાવાઝોડું દરિયામાં સમાશે ત્યારે તેની અસર રૂપે કચ્છના દરિયામાં કરંટ અનુભવાશે. ઊંચા મોજા ઉછળશે.

તેમ જ ભારે પવન ફૂંકાશે અને ધીમો થી ભારે વરસાદ પણ પડશે. કચ્છના જખૌના દરિયામાં માછીમારી માટે ગયેલી તમામ બોટો કિનારે પરત આવી ગઈ છે. દરમ્યાન પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ જરૂરત પડ્યે સ્થળાંતર જો કરવું પડે તો જખૌના માછીમારોને સજ્જ રહેવા જણાવ્યું છે.

કચ્છના ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિએ તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. દરમ્યાન ફિશરીઝ વિભાગે પણ કચ્છમાં અલગથી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. દરમ્યાન વાવાઝોડા સામે મદદરૂપ બનવા માટે કોસ્ટગાર્ડ પણ સજ્જ છે અને ગુજરાતના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા ચાર જહાજ તેમ જ હેલિકોપ્ટર પણ સજ્જ રખાયા છે.

(11:10 am IST)