Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની જાહેરાત : મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપશે 51 લાખ

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આપ્યા 25 લાખ

 

અમદાવાદઃ ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે,રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને લોકો મહામારી સામે લડી રહ્યાં છે. સરકાર અને પ્રજા સાથે મળીને વાયરસને ફેલાતો અટકાવવા માટે કામ કરી રહ્યાં છે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કોરોના સામે લડવા માટે સીએમ રાહત કોષમાં દાન કરવાની અપીલ કરી હતી. ત્યારે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટે 51 લાખ રૂપિયાનો ફાળો આપવાની જાહેરાત કરી છે. સાથે અમદાવાદના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે 25 લાખ રૂપિયા સીએમ રાહત કોષમાં આપ્યા છે.

 દેશ અને ગુજરાત હાલ કોરોના મહામારીના સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે તેની સામે લડવા માટે અનેક સામાજીક સંસ્થાઓ, મંદિર ટ્રસ્ટો, ઉદ્યોગપતિઓ અને લોકો પણ સરકારને સાથ આપી રહ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત બાદ અનેક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, મંદિરો અને સામાન્ય લોકો પણ સીએમ રાહત કોષમાં સહાયની જાહેરાત કરી છે. ત્યારે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા સીએમ રાહત કોષમાં 51 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયા આપ્યા છે. સ્વામિનારાયણ મંદિરના સંતોએ આજે સીએમ રૂપાણી સાથે મુલાકાત કરી ચેક અર્પણ કર્યો હતો.

 રાજ્યસરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ મહામારી સામે લડવા માટે ગુજરાતની અનેક સંસ્થાઓ, મંદિર ટ્રસ્ટો આગળ આવ્યા છે. અત્યાર સુધી સોમનાથ મંદિર, ખોડલધામ મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિત ઘણી સંસ્થાઓ અને મંદિરોએ મુખ્યમંત્રી રાહત કોષમાં ફાળો આપ્યો છે. 

(11:00 pm IST)