Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરેન્દ્રનગર-વઢવાણને બેકટેરીયા બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી : સેનેટાઇઝરનો છંટકાવ

વઢવાણ,તા.૧: સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસનની સાથે સુરેન્દ્રનગર- દૂધરેજ તથા વઢવાણ નગરપાલિકાએ કોરોની વૈશ્વિક મહામારી સામે લડવા સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરોને બેકટરીયા મુકત બનાવવાનું બીડુ ઝડપ્યું છે.

સુરેન્દ્રનગરના જેલચોક, બસ સ્ટેન્ડ, અલંકાર રોડ, જીનતાન રોડ, મેઘાણી રોડ, હોસ્પિટલ તથા રેલવે સ્ટેશન તેમજ વઢવાણમાં ગેબનશાહપીર, ધોળીપોળ, ખાંડીપોળ, મહાત્માગાંધી હોસ્પિટલ, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સહિતના વિસ્તારમાં નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સોડીયમ હાઈપો કલોરાઈડ કેમિકલ્સ અને પાણીનું મિશ્રણ તથા જંતુનાશક દ્વાવણ (ડિસઈન્ફેશન)નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, સાથે જ શહેરના જાહેર સ્થળોએ પણ સોડિયમ હાઇપોકલોરાઇડના દ્રાવણથી ફોગીંગ મશીન દ્વારા જંતુમુકત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ સંદર્ભે સુરેન્દ્રનગર - દુધરેજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરના જાહેર સ્થળો પર લોકોનું આવનજાવન રહે છે, વળી લોકો મેડીકલ સ્ટોર કે જીવન જરૂરી વસ્તુઓ જયાંથી ખરીદે છે તે સ્થળો પર રોડ પર ઉભા રહે છે ત્યાં વધુ લોકોની અવરજવર હોવાથી ચેપની શકયતા પણ વધુ હોઇ દુકાનોની દિવાલોથી રોડ સુધી સંપૂર્ણ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે. પાણી સાથે સોડિયમ હાઈપોકલોરાઇડનું રાસાયણ ઉમેરી તેનો છંટકાવ કરવામાં આવે છે. ફાયર ફાયટરમાં પાણી સાથે રસાયણ ઉમેરવામાં આવે છે અને તેનો નગરની ગલીઓ, ઓટલાઓ, દિવાલો ઉપર સ્પ્રે કરવામાં આવે છે. ફોગીંગ મશીનના ઉપયોગથી કરવામા આવતા છંટકાવથી પાણીના બચાવ સાથે ચોકસાઈ પૂર્વક કામગીરી કરી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા હોમ કવોરેન્ટાઈન રાખવામાં આવ્યા હોય તેવા ૪૨ જેટલા લોકોના દ્યરમાં પણ સેનેટાઈઝરનો છંટાકાવ કરી તેને બેકટરીયા મુકત બનાવવાની કામગીરી કરવામાં આવી છે.

(11:51 am IST)