Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવરકુંડલાઃ ધારાસભ્યો-સાંસદોની ગ્રાન્ટની માર્ગદર્શિકામાં સુધારો કરાય તો પ૦૦ કરોડના અનાજની સહાય કરી શકાય

અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો

સાવરકુંડલા તા.૧ : અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને ધારાસભ્યોની દોઢ કરોડ, સાંસદ સભ્યોની પાંચ કરોડની ગ્રાન્ટ તેમજ અન્ય ચુંટાયેલા પ્રતિનિધિઓ તા.૧ એપ્રિલ-ર૦ર૦ની વાર્ષિક ગ્રાન્ટ ફાળવણી કરી શકશે. ગ્રાન્ટ વાપરવાની માર્ગદર્શિકામાં સુધારો કરીને અનાજ ખરીદી શકાય તેવી જોગવાઇ કરવાથી ગરીબોને રૂ.પ૦૦ કરોડ જેટલી માતબર રકમના અનાજની સહાય કરી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.

ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું છે કે ગુજરાત જ નહી સમગ્ર દેશ કોરોનાં સંક્રામણની મહામારી સામે જંગ લડી રહ્યો છે. રાજય પ્રસાશનના આરોગ્ય, પોલીસ, સફાઇ કામદારો, સ્થાનિક સ્તર સુધી કોરોના મહામારી સામેની લડાઇમાં પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે ભારત સરકારે દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે આથી ર૧ દિવસના લોકડાઉનમાં રોજ કમાઇને રોજ ખાનારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની હાલત કફોડી થઇ છે. ખાસ કરીને મજુર વર્ગ પાસે દૈનિક ધોરણે ખાવા પીવા માટે પુરતા પ્રમાણમાં અનાજ કે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ છે.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં  એવા હજારો પરિવારો છે કે જેઓને દૈનિક જીવન નિર્વાહ માટે અનાજ સહિતની અન્ય ચીજવસ્તુઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બીજી તરફ સ્થિતિ એવી છે કે જે પરિવારો સુધી મદદ પહોંચી રહી છે જયારે કેટલાક વિસ્તારો એવા છે કે જયાં મદદ પહોંચી રહી નથી. આવાસંજોગોમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ આ મહામારીમાં ગરીબ અને મધ્યમવર્ગ સુધી અનાજ સહિત અન્ય જીવન જરૂરરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી શકે છે તેઓ પોતાના મતક્ષેત્રથી પરિચિત હોય છે. સાથે ભૌગોલિક અને સામાજિક વ્યવસ્થાને સારી રીતે સમજતા હોય છે સાથે કયા પરિવારોને સાચી જરૂરિયાત છે તેવું પણ તેઓ જાણતા હોય છે.

કોરોના મહામારી સમયે અમદાવાદ સહિત ગુજરાના ધારાસભ્યો તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાર્ષિક ગ્રાન્ટમાંથી અનાજ સહિત અન્ય ચીજવસ્તુઓની સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદી કરવાની મંજુરી આપવામાં આવે તો હજારો ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ થઇ શકેે છે. ચુંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાર્ષિક પુરેપુરી ગ્રાન્ટમાંથી અનાજ સહિતની ચીજવસ્તુઓ ખરીદી શકે સાથે તેનંુ વિતરણ કરી શકે તો હજારો પરિવારોને જીવન નિર્વાહમાં પડતી મુશ્કેલી મહદઅંશે નિવારી શકાય તેમ છે.

આપશ્રીને વિનંતી છે કે ચુંટાયેલા પ્રતિનિધિઓ જેવા કે ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ અન્ય ચુંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી સરકારી સંસ્થા પાસે અનાજ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે તથા તેની યોગ્ય વિતરણ કરવા માટેની ગાઇડ લાઇન બનાવી માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવે તો અંદાજિત પ૦૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ દ્વારા લાખો ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ફાયદો થાય તેમ છે આથી આ અંગે તાકીદે સુધારો કરી પરિપત્ર બહાર પાડવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ માંગણી કરી છે.

(11:48 am IST)