Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

૫૫ હજારના દોઢ લાખ માંગી સાગર વ્યાસ પર વ્યાજખોરોનો હુમલો

જાગૃતી શ્રમજીવી સોસાયટીમાં બનાવઃ મોહસીન, સમીર સહિત ત્રણ સામે ફરીયાદની તજવીજ

રાજકોટ, તા. ૩૧ :. ભોમેશ્વર સોસાયટી પાસે જાગૃતી શ્રમજીવી સોસાયટીમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા ૫૫ હજારના દોઢ લાખ માંગી ત્રણ શખ્સોઓએ ધોકા વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ ભોમેશ્વર સોસાયટી પાસે જાગૃતી શ્રમજીવી સોસાયટી શેરી નં. ૩માં રહેતા સાગર ધર્મેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. ૨૪) ગઈકાલે પોતાના ઘરેથી દુધ લેવા જતો હતો ત્યારે મોહીસન જુનેશાભાઈ, તેનો ભાઈ સમીર જુનેશા તથા એક અજાણ્યા શખ્સે આવી સાગર સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈને ધોકા વડે માર મારતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા અને સાગરને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. સાગર વ્યાસ અને તેની પત્નિ અમદાવાદ પ્રાઈવેટ નોકરી કરે છે. લોકડાઉનના કારણે બન્ને રાજકોટ આવ્યા હતા. સાગરે થોડા સમય પહેલા મોહસીન પાસેથી મોબાઈલ અને એકસેસ ગીરવે મુકી રૂ. ૫૫ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને તે ૪૫૦૦નું વ્યાજ ચૂકવતો હતો. સાગરે વ્યાજ સહિત ૪૫ હજાર ચૂકવી દીધા હતા છતા મોહસીન દોઢ લાખની ઉઘરાણી કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. જીતુભાઈએ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)