Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

હોમ કોરોન્ટાઇન લોકોએ મનપાના સ્ટાફની પીઠ થાબડી

આવશ્યક સેવાઓની ઉપલબ્ધિથી ખુશ : ૨૧ ગ્રુપ દ્વારા સતત કાર્યવાહી

રાજકોટ તા. ૩૧ : કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હોમ કોરોનટાઈન રહેલા લોકો પૈકી અનેક નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાના સંવેદનાસભર સ્ટાફ દ્વારા તેમની લેવાઈ રહેલી કાળજી બદલ અત્યંત ખુશી વ્યકત કરી મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે ખુબ ખુબ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

કમિશનરશ્રીએ આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યા બાદ તુર્ત જ તા. ૧૯ માર્ચ ના રોજથી સમગ્ર જંગલેશ્વર વિસ્તાર કલસ્ટર કોરોનટાઈન કરી લેવામાં આવ્યો હતો. સાથોસાથ વિદેશ પ્રવાસેથી વતન રાજકોટ પરત ફરેલા પ્રવાસીઓ અને તેઓ જે જે પરિવારજનોના સંપર્કમાં આવ્યા હતાં તેઓને ૧૪ દિવસ માટે હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતાં.

એ સ્વાભાવિક છે કે, ૧૪ દિવસનો આ સમય કોઈ પણ વ્યકિત માટે ખુબ જ કઠીન જ બને. માનવીએ સ્વસ્થ બની રહેવા માટે પણ ભારે મહેનત કરવી પડે છે; અને એ પણ એટલું જ સહજ છે કે જેમાં હોમ કોરોનટાઈન થયેલી વ્યકિત અકળાઈ ગઈ હોય અને મનપાના સ્ટાફ સાથે કદાચ સારો વ્યવહાર ન પણ કરે. જોકે સ્ટાફ આવી બાબતો માટે માનસિક રીતે તૈયાર જ છે અને આ પરિસ્થિતિને સંવેદનાપૂર્વક હેન્ડલ કરી રહયો છે. પોતાની સાથે સારો વ્યવહાર ન કરે તેવા લોકો સાથે માનવીય અભિગમ અપનાવી તેઓને શાંત ચિતે સમજાવવા સતત પ્રયાસ કરે છે. સ્ટાફનો આવો ઉમદા વ્યવહાર જ હોમ કોરોનટાઈન લોકોની પ્રશંસાને પાત્ર બન્યો છે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના સતત માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોરોના કંટ્રોલ રૂમ ચાલી રહયો છે જેના ઇન્ચાર્જ તરીકે આસીસ્ટન્ટ મેનેજર કાશ્મિરા વાઢેરના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ૨૧ અર્બન હેલ્થ સેન્ટર હેઠળ સમગ્ર રાજકોટ શહેરને આવરી લઇ કુલ ૨૧ ગ્રુપ બનાવવામાં આવેલ છે. આ ગ્રુપની ટીમો દ્વારા વોટ્સએપ ગ્રુપ પણ ચલાવામાં આવી રહયા છે જેમાં હોમ કોરોનટાઈન લોકો પોતાની વાત રજુ કરે છેઅને તેના પર મનપા સ્ટાફ આવશ્યક કાર્યવાહી કરે છે.

ઓમાનથી રાજકોટ આવેલ એક પરિવારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા લેવાયેલી તેઓની કાળજી વિશે મનપા સાથે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા છે. આ પરિવાર લખે છે કે, અમો ભારતમાં રહેતા નથી એટલે અહી રાજકોટમાં ૧૪ દિવસ ઘરમાં ને ઘરમાં પસાર કરવા અત્યંત કઠીન પૂરવાર થાય એમ હતાં. જોકે અમારા આશ્ચર્ય વચ્ચે મનપાના કર્મચારી અવનીબેન સાવલીયા તરફથી અમારા પરિવારની કાળજી લીધી છે તે કાબિલેદાદ છે. અમોને ઘરમાં રાંધેલું ભોજન અવનીબેને જમાડ્યું છે. પરિવારના પુરૂષ સદસ્ય વધુમાં લખે છે કે, પોતાની તથા તેમના માતા – પિતા પ્રત્યે અવનીબેન સાવલીયાએ સગા સંબંધી જેવો ઉમળકા સાથેનો વ્યવહાર કરી અમારી લાગણી જીતી લીધી છે. માત્ર એટલું જ નહી અમારી માનસિક અવસ્થા સ્વસ્થ છે કે કેમ તેની સતત ચિંતા કરી અમોને કાઉન્સેલિંગની સેવા પણ મનપા તરફથી મળતી રહી છે. તેઓનો વ્યવહાર અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેનો હતો.મહાનગરપાલિકા દ્વારા અમારી જે પ્રકારે કાળજી લેવામાં આવેલ છે તે જોઈને અમો અત્યંત પ્રભાવિત થયા છીએ.  અવનીબેન અને તેમની જેમ અન્ય હોમ કોરોનટાઈન લોકોની કાળજી લઇ રહેલા મહાનગરપાલિકાના સ્ટાફને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

દરમ્યાન બીજા એક પરિવારે એવી લાગણી વ્યકત કરી હતી કે, આ કપરા સમયમાં અમારી હાલત પણ અન્ય હોમ કોરોનટાઈન થયેલા લોકો જેવી જ હોય તે સ્વાભાવિક છે. જોકે મનપાના સ્ટાફે અનાજ, શાકભાજી, દવા વગેરે જેવી આવશ્યક ચીજ વસ્તુઓની અમોને કોઈ કમી પડવા દીધી નથી. પરિવારની નાનકડી બેબી માટેના મિલ્ક પાઉડર પહોંચતો કરવાની ચિંતા પણ સ્ટાફે કરી છે. અમો સંપૂર્ણ આરામદાયક સ્થિતિ અનુભવી રહયા છીએ.

જયારે અન્ય એક પરિવારે એવું કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફે તેઓની ફરજ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

(3:28 pm IST)