Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટ જીલ્લામાં જાહેરનામાના ભંગ બદલ ૧૮ની અટકાયતઃ ર૧૦ વાહનો ડીટેઇન

હમ નહિં સુધરેંગે-લોકડાઉન છતા લોકો લટાર મારવા નીકળે છે, દુકાનો ખુલ્લી રાખે છે!

રાજકોટ તા.૩૧ : કોરોના વાયરસ સંદર્ભે કેન્દ્ર અને રાજય સરકારે જાહેર લોકડાઉન જાહેર કરેલ હોવા છતા અમુક લોકો હમ નહિ સુધરેગેની કહેવતને સાર્થક કરતા હોય તેમ લટાર મારવા નીકળી જાય છે. અને અમુક વેપારીઓ દુકાનો ખુલ્લી રાખે છે. ગઇકાલે જીલ્લામાં જાહેરનામાં ભંગ બદલ ૧૮ વ્યકિતઓની અટકાયત કરાઇ હતી અને ર૧૦ વાહનો ડીટેઇન કરાયા હતા. રાજકોટ જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીઝ વસ્તુ સીવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ કરેલ હોય આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગઇકાલે જીલ્લામાં અલગ અલગ સ્થળે જાહેરનામાના ભંગ સબબ ૧૮ વ્યકિતઓની અટકાયત કરાઇ હતી તેમજ એમ.વી.એકટ હેઠળ ર૧૦ વાહનો ડીટેઇન કરાયા હતા અને જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખવા સબબ જીલ્લામાં કુલ પપ વ્યકિતઓ સામે ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.

કોરાના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે લોકોને અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અંતમાં એસ.પી.બલરામ મીણાએ અપીલ કરી છે.

(12:54 pm IST)