Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તમારા વિસ્તારમાં રાશન - દૂધ - શાકભાજી - કોરોનટાઇન કરેલ લોકો - મજૂરોની શું સ્થિતિ છે : તાકિદે વિગતો લાવો

કલેકટરે બપોરે ૧૨ વાગ્યાથી સીપી - ડીસીપી - ડીડીઓ - મ્યુ. કમિશ્નર - તમામ પ્રાંત - મામલતદાર સાથે વીસી યોજીઃ હોમ કોરોનટાઇન કરેલ એક પણ વ્યકિત બહાર ન નીકળે : નહીં તો હવે પગલા : કાલથી સસ્તા અનાજના દુકાને ટોકન સિસ્ટમથી ઘઉં - ચોખા - ખાંડ - તેલ - મીઠુંનું કાર્ડ હોલ્ડરોને વિતરણઃ પૂરતો જથ્થો છે તો એકપણ વસ્તુ અંગે ફરીયાદ ન આવવી જોઇએ : દરેક વિસ્તાર દીઠ જે તે અધિકારીઓની જવાબદારી ફિકસ કરી દેતા રેમ્યા મોહન : 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૩૧ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજ સવારથી મીટીંગોનો દોર શરૂ કરી દીધો છે.

'અકિલા' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે બપોરે ૧૨ વાગ્યાથી રાજકોટ શહેર - જિલ્લામાં ૧૭ જેટલા કોરોનટાઇન સેન્ટરો, હોમ કોરોનટાઇન કરેલ લોકો અને વિસ્તાર, તે ઉપરાંત દવા, માસ્ક, સેનીટાઇઝર, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, દૂધ, શાકભાજી અને વસ્તુઓના ઉત્પાદન માટે અપાયેલ મંજૂરી આ તમામનો રિવ્યુ લેવાઇ રહ્યો છે, આ માટે સીપી, ડીસીપી, મ્યુ. કમિશ્નર, ડીડીઓ, આરોગ્ય અધિકારીઓ, દરેક પ્રાંત, મામલતદારને બોલાવ્યા છે, આ તમામના વિસ્તારોમાં ઉપરોકત વસ્તુઓ લોકો - મજૂરોની સ્થિતિ શું છે, તેની વિગતો માંગી છે, કોઇ મુશ્કેલી હશે, કચાશ હશે તો તુર્ત જ સૂચના આપી નિર્ણય લઇ દૂર કરાશે.

કલેકટરે જણાવેલ કે, પૂરતો જથ્થો છે, બધુ ગોઠવાઇ ગયું છે, તો પછી એકપણ વસ્તુની ફરિયાદ ન આવવી જોઇએ, જો ફરિયાદ હોય તો તાકિદે દૂર કરો, નાનામાં નાના માણસ સુધી જાવ, હવે દરેક વિસ્તાર દીઠ જે તે અધિકારીની જવાબદારી ફિકસ કરી છે, કોઇ ગંભીર કચાશ રહેશે તો તુર્ત જ પગલા લેવાશે.

તેમણે જણાવેલ કે, હોમ કોરોનટાઇન કરેલ એક પણ વ્યકિત બહાર ન નીકળે, નહી તો હવે પગલા આવશે, તંત્રની પણ ધીરજની એક મર્યાદા હોય છે, લોકો સહકાર આપે, આપણે હજુ બે અઠવાડિયા કાઢવાના છે, લોકો સમજે.

તેમણે જણાવેલ કે, કાલથી રેશનીંગ - સસ્તા અનાજની દુકાનો ઉપરથી બીપીએલ, એનએફએસએ - અત્યોંદય કાર્ડ હોલ્ડરોને ટોકન સિસ્ટમ મુજબ તમામ ચીજવસ્તુના પુરવઠાનું વિનામૂલ્યે વિતરણ શરૂ થઇ જશે, એપીએલ કાર્ડ હોલ્ડરોને સરકારે નક્કી કરેલા ભાવ મુજબ અપાશે.

(11:37 am IST)