Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટમાં સરેરાશ રોજ ૧ વ્યકિતને કોરોનાઃ વધુ ૧૪ શંકાસ્પદ

૧૯ માર્ચે જંગલેશ્વરનો પ્રથમ પોઝીટીવ કેસ જાહેર થયેલઃ કુલ ૧૦ દર્દીઓ : આજના શંકાસ્પદ કેસમાં એક ૯ મહિનાની બાળકીઃ એક વ્યકિત મોરબી જિલ્લાના - એક આણંદનાઃ આઈસોલેશનમાં કુલ ૨૪

રાજકોટ, તા. ૩૧ :. ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે ૧૦ કેસ સાથે આજે સવારની સ્થિતિએ રાજકોટ બીજા ક્રમે રહ્યુ છે. રાજકોટમાં જંગલેશ્વરના યુવાનને કોરોના પોઝીટીવ હોવાનું તા. ૧૯ માર્ચે જાહેર થયેલ. ત્યાર પછી ગઈકાલ સાંજ સુધીમાં કોરોનાના ૧૦ કેસ થઈ ગયા છે. તેથી રાજકોટમાં સરેરાશ લગભગ રોજ ૧ વ્યકિત કોરોનામાં લપેટાતો હોવાનુ અર્થઘટન થાય છે. ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં વધુ ૧૪ વ્યકિતઓને શંકાસ્પદ તરીકે દાખલ કરી તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ સાંજ સુધીમાં આવી જશે.

આજે જે સેમ્પલ લેબમા મોકલવામાં આવ્યા છે તેમા ૭ મહિલા અને ૭ પુરૂષ હોવાની માહિતી છે. આ ૧૪માં એક તો મોરબી રોડ પરની ૯ માસની બાળકી છે. એક મોરબી જિલ્લામાંથી આવેલા અને એક આણંદ જિલ્લામાંથી આવેલા દર્દી છે. ત્રણ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના છે. બાકીના બધા રાજકોટ શહેરના છે. આજના શંકાસ્પદ ૧૪ તેમજ અગાઉના ૧૦ પોઝીટીવ કેસવાળા મળી કુલ ૨૪ લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજકોટમાં કેસનુ વધતુ પ્રમાણ ઘણુ ચિંતાજનક ગણાય છે. શંકાસ્પદના રીપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર નક્કી થશે.

(11:14 am IST)