Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

જીલ્લા પંચાયતના સભ્ય રણજીતભાઇ મેણીયાનું અવસાનઃ પેટાચુંટણી આવશે

જસદણની શિવરાજપુર બેઠકમાંથી કોંગી સભ્ય તરીકે ચુંટાયેલાઃ કોરોનાએ ભોગ લીધો

રાજકોટ, તા., ૨૭: જીલ્લા પંચાયતમાં જસદણની શિવરાજપુર બેઠકમાંથી કોંગ્રેસના સભ્ય તરીકે ચુંટાયેલા કોળી સમાજના યુવા અગ્રણી રણજીતભાઇ મેણીયાનું કોરોનાના કારણે દુઃખદ અવસાન થતા શોકની લાગણી છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ સ્વ.રણજીતભાઇ મેણીયાને દસેક દિવસ પહેલા કોરોના લાગુ પડેલ. સ્થાનીક કક્ષાએ સારવાર લીધા બાદ સ્થિતિ બગડતા રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયેલ. જયાં વેન્ટીલેટર પર રહયા બાદ ગઇ મોડી રાત્રે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. તેઓ મુળ ગોખલાણા ગામના વતની હતા. દોઢ મહીના પહેલા જ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે ચુંટાયેલા હતા.  અગાઉ જસદણ તાલુકા પંચાયતના સભ્ય હતા.

જીલ્લા પંચાયતમાં સામાન્ય ચુંટણી પછી ૧૭ માર્ચથી નવી ચુંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી છે. પ્રથમ દોઢ મહિનામાં જ એક સભ્યનું અવસાન થતા બેઠક ખાલી પડી છે. એક બેઠક ખાલી પડતા ચુંટાયેલા સભ્યોનું સંખ્યાબળ ૩પ નું થયું છે. ચુંટણી પંચના નિયમ મુજબ ૩ મહીનામાં પેટા ચુંટણી આવવા પાત્ર છે.

(3:25 pm IST)