Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રેકી અને પંદર મિનીટનો ખેલઃ ૮૫ાા લાખની દિલધડક લૂંટઃ ત્રિપૂટી ગ્રીનલેન્ડ-બેડી ચોકડી થઇ મોરબી તરફ ભાગ્યા

સામા કાંઠે ચંપકનગરમાં બપોરના સમયે શિવ જ્વેલર્સમાં વેપારી મોહનભાઇ ડોડીયા એકલા હોઇ ખાત્રી કર્યા બાદ ત્રણેય લૂંટારૂ ત્રાટકયાઃ લૂંટમાં ચોરાઉ હોન્ડાનો ઉપયોગઃ આ બાઇક પણ ચંપકનગરમાંથી જ ચોર્યુ : ગ્રાહક સ્વાંગે આવેલા બે શખ્સે ચાંદીની વીંટી બતાવવા કહ્યું: ત્યાં ત્રીજો શખ્સ પણ આવ્યોઃ વેપારી રૂમની તિજોરીમાંથી વીંટી લાવી બતાવતા'તા ત્યાં ત્રણેય ટેબલ પર ચડી અંદર ઘુસ્યાઃ મારકુટ શરૂ કરી, ગળુ દબાવ્યું: પકડીને તિજોરી પાસે લઇ ગયાઃ લમણે પિસ્તોલ-બંદૂક તાંકીઃ એ પછી સોના-ચાંદીના ઘરેણા અને અઢી લાખ રોકડા લૂંટી છનનન થઇ ગયાઃ સીસીટીવી ફૂટેજમાં લૂંટના દ્રશ્યો કેદ : લૂંટારા જતાં-જતાં વેપારીને મસમોટી તિજોરીમાં પુરતાં ગયાઃ પત્નિ ચા દેવા આવ્યા ત્યારે પતિ ન દેખાયાઃ તિજોરીમાંથી અવાજ આવતાં બહાર કાઢ્યા : જે દાગીના લૂંટાયા તેમાં વેંચવા માટેના, ઘરના અને સગા સંબંધીઓ સાચવવા આપી ગયા હોય તે પણ હતાં : લૂંટારી મારી નાંખશે તેવો વેપારીને સતત ભય લાગ્યો

ડકૈતી ડિટેકટ કરવા મથામણઃ સામા કાંઠે ચંપકનગરમાં જ્યાં દિલધડક લૂંટની ઘટના બની એ સ્થળે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીઆઇ વી. કે. ગઢવી સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો દોડી ગયો હતો અને તપાસ આદરી હતી. તસ્વીરમાં શો રૂમ, વેપારી મોહનભાઇ ડોડીયા તથા નીચેની તસ્વીરોમાં વીટી બતાવી રહેલા વેપારી, અને એ પછી અંદર ઘુસી વેપારી પર હુમલો કરી લૂંટ કરવામાં આવી તે સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૭: સામા કાંઠે પેડક રોડ ચંપકનગર-૩ના ખુણે આવેલા શિવ જ્વેલર્સ નામના સોના ચાંદીના દાગીનામાં ધોળે દિવસે ત્રાટકેલા ત્રણ લૂંટારૂ શો રૂમના માલિક કારડીયા રાજપૂત વેપારીને મારકુટ કરી ગળુ દબાવી લમણે પિસ્તોલ-બંદૂક જેવા હથીયાર રાખી મોતનો ભય બતાવી  સોનાના દાગીના ૨ કિલો ૭૦૦ ગ્રામ અને ચાંદીના દાગીના આશરે ૨ કિલોના મળી કુલ રૂ. ૮૨,૯૬,૯૦૦ના દાગીના અને રૂ. ૨,૫૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની લૂંટ કરી ભાગી જતાં સનસનાટી મચી ગઇ હતી. જતાં જતાં લૂંટારા વેપારીને મસમોટી તિજોરીમાં પુરતાં ગયા હતાં. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થતાં લૂંટારૂઓએ લૂંટમાં ચોરાઉ હોન્ડાનો ઉપયોગ કર્યો હતો અને ગ્રીનલેન્ડ તથા બેડી ચોકડી થઇ મોરબી તરફ ભાગ્યાનું જણાયું હતું. દિવસો સુધી રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યાનું સમજાય છે. માત્ર પંદર જ મિનીટમાં ૮૫.૪૬ લાખની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી લૂંટારા પોલીસને પડકાર ફેંકી છનનન થઇ ગયા હતાં.

લૂંટની આ ઘટનામાં પોલીસે વિશ જ્વેલર્સના માલિક શો રૂમની સામે જ પાણીના ઘોડા સામે ચંપકનગર-૩માં રહેતાં મોહનભાઇ વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ની  ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૯૪, ૩૯૭, ૪૫૨, ૩૪ તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) એ મુજબ લૂંટનો ગુનો નોંધ્યો છે.

મોહનભાઇએ પોલીસને જણાવ્યું છે કે હું મારા ઘરની સામે જ શિવ જવેલર્સ નામથી સોના ચાંદીનો શો રૂમ ધરાવી છેલ્લા ત્રણ વર્ષથી સોના વેપાર કરુ છું. મારે સંતાનમા એક દીકરો સીધ્ધાર્થ (ઉ.વ.૨૬) છે જે મારી સાથે વેપાર ધંધો કરે છે. અમો બે ભાઇઓ છીએ જેમા મોટો રમેશભાઇ અક્ષરમાર્ગ કાલાવડ રોડ  ખાતે રહે છે. જે સોનીબ જારમા સોનાનો વેપાર ધંધો કરે છે. અમારૂ મુળ ગામ કોઠારીયા, મોરબી રોડ તા.જી.રાજકોટ છે. અમારા વેપાર ધંધાનો સમય સવારના ૯થી સાંજના ૮ વાગ્યા સુધીનો છે. અમારી દુકાનમાં હુ તથા મારો દીકરો જ કા કાજ કરીએ છીએ એ સીવાય અન્ય કોઇ વ્યકતી કામકાજ કે નોકરી કરતા નથી. અમો અમારી દુકાનના સોના ચાંદીના દાગીના રાજકોટ સોનીબજાર ખાતે જુદા જુદા બંગાળી કારીગરો પાસે બનાવડાવીએ છીએ.

સોમવારે ૨૬/૪ના સવારના આશરે નવેક વાગ્યાના અરસામા હું તથા મારો દીકરો સિધ્ધાર્થ એમ અમો બંને અમારા શો રૂમ ખાતે આવ્યા હતાં. એ પછી દસેક વાગ્યાના અરસામા અમારી કારમાં  પંચર થયેલ હોઇ હુ પંચર કરાવવા ગયો હતો, ત્યારે મારો દિકરો સિધ્ધાર્થ દુકાને હાજર હતો. બાદમા હું પાછો અમારા શો રૂમ ખાતે આવી ગયેલ હતો. એ પછી બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામા પુત્ર સિધ્ધાર્થ ઘ રે જમવા ગયો હતો. જમ્યા બાદ તે વાળ કપાવવા માટે જવાનો હોઇ જેથી થોડીવાર બાદ આશરે દોઢેક વાગ્યે મારા પત્નિ કાંતાબેન મારા માટે જમવા માટે ટીફીન લઇને આવ્યા હતાં. મેં જમી લીધું પછી મારા પત્નિ શો રૂમમાં બઠા હતાં.

ત્યારબાદ આશરે તેઓ બે વાગ્યે પરત જતા રહેલ હતા. હુ શો રૂમમા છાપુ વાંચતો હતો. ત્યાં આશરે ત્રણ વાગ્યાના અરસામા  બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં. તેણે મને કહેલ કે મારે ચાંદીની વીંટી લેવી છે,બતાવો.  એ પછી ત્રીજો એક શખ્સ આવ્યો હતો. આ ત્રણેય લોકો હીન્દી ગુજરાતી મીકસ ભાષા બોલતા હતા. જેથી હુ શો રૂમમાં ટેબલની અંદર ગયેલ અને અંદરના ભાગે સોના ચાંદીના દાગીના રાખવા માટેની તિજારી હોઇ તેમાંથી હુ ચાંદીની વીંટીનુ બોકસ લઇ આવેલ અને તે બોકસ માંથી વીંટી કાઢીને આ લોકોને બતાવતો હતો ત્યારે આ ત્રણ પૈકીનો એક શખ્સ અચાનક ટેબલ ઉપર ચડીને હુ  અંદરના ભાગે હતો ત્યા આવી મને એકદમ માર મારવા લાગેલ અને ત્યાર બાદ બીજા બંને ઇસમો પણ ટેબલ ઉપર ચડીને મારી બાજુ આવીને મને માર મારવા લાગેલ અને મારું ગળુ દબાવી દીધેલ જેથી મેં બચવા માટે પ્રતીકાર કરતા આ લોકોમાંથી એક શખ્સે તેની પાસે રહેલ પીસ્તોલ જેવુ હથીયાર કાઢીને મારા માથા ઉપર રાખીને કહેવા લાગેલ કે ડગતા નહી નહીતર ગોળી મારી દઇશ તેમ હિન્દીમા વાત કરતા હતા હું એકદમ ગભરાઇ ગયેલ અને મને બીક લાગેલ જેથી મે પછી કોઇ પ્રતીકાર કર્યો નહોતો.

આ ત્રણમાંથી બે શખ્સોએ મને પકડીને અમારા શો રૂમમા પાછળ અંદરની બાજુ તિજોરી છે ત્યા લઇ ગયેલ અને ત્યાં મને દબાવી દીધો હતો. એક શખ્સે તેની પાસે રહેલ પીસ્તોલ જેવુ હથીયાર બતાવીને મને ત્યા બેસાડી દીધેલ અને બાદમા બીજા શખ્સે પણ તેની પાસે રહેલ બંદુક જેવુ હથીયાર કાઢીને મને બીવડાવ્યો હતો.  બાદમા બે શખ્સોએશો રૂમમા ડીસ્પ્લેમા તથા ટેબલના ખાનામાં તેમજ તીજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના લૂંટી પોતાની પાસેના થેલામા ભરવા માંડ્યા હતાં. આશરે દસ થી પંદર મીનીટમાં જ ડીસ્પ્લે તથા ટેબલના ખાના અને તીજોરીમાં રાખેલ તમામ સોના ચાંદીના ઘરેણા તથા ટેબલના ખાનામાં રહેલ વેપારના રોકડા રૂપીયા લુંટીને લીધા હતાં.

આ પછી જતા જતા આ ત્રણેય લૂંટારા મને ધમકાવીને અમારા શો રૂમની તીજોરીમાં પુરી દઇ બહારથી બંધ કરી ભાગી ગયા હતાં.  થોડીવાર પછી મારા પત્નિ મને ચા દેવા આવતા હું  શો રૂમમાં ન દેખાતાં તેણે અવાજ કરતાં મેં તિજોરીમાંથી દેકારો કરતા મારી પત્ની અંદર આવી તીજોરી ખોલતા હુ બહાર આવેલ અને મને આ લોકોએ ગળુ દબાવી મને છુટા હાથે પગે ઢીકા પાટુનો માર મારતા મને શરીરે મુંઢ ઇજાઓ થયેલ હતી, જેથી હુ ગભરાઇ ગયેલ હતો. બાદમા મે આ બનાવ બાબતે મારા વેવાઇ જગદીશભાઇ દેવરાજભાઇ રાઠોડને કરતા તેઓ અમારા શો રૂમ ખાતે આવેલ અને આ વખતે મારો દીકરો સિધ્ધાર્થ પણ આવી ગયેલ હતો. ત્યારબાદ વેવાઇ જગદીશભાઇએ પોલીસને જાણ કરતા પોલીસ આવી ગઇ હતી.

અમે તપાસ કરતાં વેચાણ માટે રાખેલ સોના ચાંદીના દાગીના તથા અમારા ઘરના તથા અમારા સગાસંબંધીના સોના ચાંદીના દાગીના જેઓ અમારી શો રૂમની તીજોરીમા સાચવવા માટે આપી ગયેલ હોઇ તે તથા શો રૂમના ટેબલમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની લૂંટ કરી ગયાનું જણાતાં એ મુજબની ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, વિરમભાઇ ધગલ સહિતનો કાફલો, એસઓજી અને ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી ગયો હતો.

પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેમાં ત્રણેય લૂંટારા એક બાઇક પર આવતાં અને બાદમાં મારકુટ કરી લૂંટ કરી ભાગી જતાં દેખાયા છે. ગ્રીનલેન્ડ ચોકડીથી બેડી ચોકડી થઇ આ લૂંટારા મોરબી તરફ ભાગી ગયાનું જણાતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. રેકી કર્યા બાદ લૂંટારૂઓએ સમગ્ર પ્લાનને પંદરથી વીસ મિનીટમાં અંજામ આપી દીધાનું સમજાય છે.

  • આટલા દાગીના લૂંટારૂ લૂંટી ગયા

સોનાની બુટી જોડી જુદી જુદી ડીઝાઇનની જોડી નંગ-૪૫ ૨૩૦ ગ્રામ કિમત ૭૫,૯૦૦,  સોનાની વીટી જુદી જુદી ડીઝાઇનની નંગ-૮૦ ૪૦૦ ગ્રામ કિમત રૂા ૧૩,૨૦,૦૦૦ , સોનાના પેન્ડન્ટ સેટ મીકસ જેમા પેન્ડન્ટ તથા બુટી સાથે નંગ-૯૯૦ ગ્રામ કિમત રૂા ૨,૯૭,૦૦૦, સોનાના પેન્ડન્ટ મીકસ નંગ- ૫૦, વજન ૧૦૦ ગ્રામ કિમત રૂા ૩, ૩૦,૦૦૦, સોનાની બાલી જોડી નંગ ૪૯, વજન ૮૦ ગ્રામ કિમત રૂ. ૨,૬૪,૦૦૦, સોનાના ચેઇન જુદી જુદી ડીઝાઇનના નંગ ૧૦ વજન ૧૫૦ ગ્રામ કિમતરૂ. ૪,૯૫,૦૦૦, સોનાના પાટલા જોડી અલગ અલગ ડીઝાઇનની જોડી નંગ ૪ વજન ૨૧૫ ગ્રામ કિમત રૂ. ૭,૦૯,૫૦૦, એક સોનાની માળા નંગ ૧ તથા એક સોનાનો હાર નંગ ૧ વજન ૧૮૦ ગ્રામ કિમત રૂ. ૫,૯૪,૦૦૦,  સોનાનુ મંગળસુત્ર અલગ અલગ ડીઝાઇનના નંગ ૨ કિમત રૂ. ૧,૩૨,૦૦૦, સોનાની બચ્ચાલક્કી તથા નજરીયા જોડી નંગ કિંમત રૂ. ૧,૬૫,૦૦૦, નાકના દાણાના બોકસ નંગ ૨ જેમા આશરે ૧૪૦ નંગ દાણા ૧૨૦ ગ્રામ કિમત રૂ. ૩,૯૬,૦૦૦, સોનાની ફાઈન લગડી નંગ ૧, વજન ૧૦૦ ગ્રામ કિમત રૂ. ૩,૩૦,૦૦૦, ચોખ્ખા સોનાની લગડીઓના કટકા વજન ૧૩૫ ગ્રામ કિમત ૪,૪૫,૫૦૦, સોનાનો કંદોરો નંગ ૧ ૮૦ ગ્રામ કિ.રૂ.૨,૬૪,૦૦૦, સોનાનો હાર નંગ ૧ વજન ૬૦ ગ્રામ કિમત રૂ. ૧,૯૮,૦૦૦,  સોનાનો પેન્ડન્ટ સેટ નંગ ૧ વજન ૩૦ ગ્રામ કિમત રૂ.૯૯,૦૦૦,  સોનાના પંજા અલગ અલગ ડીઝાઇનના નંગ ૪ વજન ૧૮૦ ગ્રામ કિ.રૂ. ૫,૯૪,૦૦૦, સોનાનુ ડોકીયુ નંગ ૧ વજન ૩૦ ગ્રામ કિમત ૯૯,૦૦૦, સોનાના હાર અલગ અલગ ડીઝાઇનના હાર નંગ ૩ વજન ૨૦૮ ગ્રામ કિમત રૂ. ૬,૮૬,૪૦૦, સોનાની મગમાળા નંગ ૧ વજન ૫૦ ગ્રામ કિ.રૂ. ૧,૬૫,૦૦૦,  સોનાનો હાર સેટ નંગ ૧ વજન ૬૦ ગ્રામ કિમત રૂ. ૧,૯૮,૦૦૦, સોનાનો મીની સેટ (ડોકીયુ) નંગ ૧ વજન ૩૦ ગ્રામ કિમત રૂ. ૯૯,૦૦૦,  સોનાનો ચઇન નંગ ૧ વજન ૨૨ ગ્રામ કિમત રૂ. ૭૨,૬૦૦, સોનાનુ નેકલેસ તથા બુટીનો સેટ નંગ ૧ વજન ૫૦ ગ્રામ કિમત રૂ. ૧,૬૫,૦૦૦,  સોનાની જેન્ટસ વીટી નંગ ૧ વજન ૧૦ ગ્રામ કિમત રૂ. ૩૩,૦૦૦, ચાંદીના જુદી જુદી ડીઝાઇનના અલગ અલગ પ્રકારના દાગીનાઓ આશરે ૨ કીલો વજન કિમત રૂ. ૭૦,૦૦૦ તથા રોકડા રૂપીયા કિ.રૂ.૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની મત્તાનો લૂંટારૂઓને લાભ થયો હતો.

(11:30 am IST)