Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

નાના ભાઇ જયેશે યુવતિને ભગાડી લવમેરેજ કરી લેતાં ખાર રાખી મોટાભાઇ સંજયનું આંખે પાટા બાંધી અપહરણઃ બેફામ ધોલાઇ

જડેશ્વર પાર્ક વેલનાથ સોસાયટીના કોળી યુવાનને નોકરીએ જવા નીકળ્યો ખોખડદળના પુલ પાસેથી કારમાં નાંખી ખાટડી, ગુંદા, કાળાસર લઇ જઇ ધોલધપાટઃ એક પરિચિતે મુકત કરાવતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ ખોખડદળ પાસે જડેશ્વર પાર્ક વેલનાથ સોસાયટી-૧માં રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં સંજય વલ્લભભાઇ રાઠોડ (ઉ.૨૪) નામના કોળી યુવાનને તે ગઇકાલે સવારે બાઇક લઇ પટેલનગરમાં કારખાને કામે જવા નીકળ્યો ત્યારે ખોખડદળ પુલ પાસેથી કારમાં બે જણાએ અપહરણ કરી આંખે પાટો બાંધી દઇ અલગ-અલગ જગ્યાએ ફેરવી ધોલધપાટ કરતાં અને છેલ્લે કાળાસર ગામે મુકત કરતાં હોસ્પિટલમાં પહોંચ્યો છે. આ યુવાનના નાના ભાઇ જયેશે એક યુવતિને ભગાડીને લવમેરેજ કરી લીધા હોઇ તેનો ખાર રાખી ધોલધપાટ થયાનું સંજયએ કહ્યું હતું.

સંજયને રાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પોતાનું બ્રેઝા કારમાં અપહરણ કરી મારકુટ કરવામાં આવ્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલના બિછાનેથી સંજયએ કહ્યું હતું કે પોતે પટેલનગરમાં કારખાનામાં નોકરી કરે છે અને પરિણિત છે. સંતાનમાં પંદર દિવસની દિકરી છે. તેના નાના ભાઇ જયેશે થોડા દિવસ પહેલા કોળી પરિવારની જ એક યુવતિને ભગાડીને લવમેરેજ કરી લીધા છે. આ કારણે પોતાના પરિવાર અને યુવતિના પરિવાર વચ્ચે મનદુઃખ ચાલ ેછે.

ગઇકાલે પોતે સવારે બાઇક હંકારી નોકરીએ જવા નીકળ્યો ત્યારે ખોખડદળ પુલ પર તેને કારમાં આવેલા બે શખ્સોએ અટકાવ્યો હતો અને 'તારો ભાઇ જયેશ કયાં છે?' પુછતાં તેણે પોતાને ખબર નથી તેમ જણાવતાં કારમાં નાંખી લઇ જવાયો હતો. મહિકાનું પાટીયુ આવતાં તેની આંખ પર રૂમાલ બાંધી દેવાયો હતો. એ પછી ચોટીલાના ખાટડી નજીક લઇ જઇ બીજા બે શખ્સો પણ ત્યાં હોઇ બધાએ મળી ધોલધપાટ કરી હતી. ત્યારબાદ ગુંદા ગામે લઇ જઇ ત્યાં પણ માર મરાયો હતો. છેલ્લે સાંજે કાળાસર પહોંચ્યા ત્યારે ગંજીવાડાના મનસુખભાઇ જોઇ જતાં તેણે પોતાને મુકત કરાવ્યો હતો અને ઘરે પહોંચ્યા બાદ હોસ્પિટલે આવ્યો હતો. આજીડેમ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)