Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહિલા ડ્રગ્સ ઇન્સ્પેકટર અને કચેરી અધિક્ષક સામે ૧૮ હજારની લાંચનો ગુન્હો નોંધતી એન્ટીકરપ્શન

ગઇ ૧૬ મી તારીખે મેડીકલ સ્ટોર સંચાલક પાસેથી ફાર્મસી લાયસન્સ અને ફાર્માસીસ્ટની નિયુકતી કલીયર કરી આપવા માટે લાંચ પેટે રકમ લીધાની બાતમી બાદ એસીબીની ટુકડીએ ઉર્વશી પટેલના પર્સમાંથી કબ્જે કરેલી રોકડ કચેરી અધ્યક્ષ ઇકબાલ સૈયદ મારફત મેડીકલ સ્ટોર સંચાલક પાસેથી લાંચ પેટે સ્વીકાર્યાનું ફલીત થતા આજે નોંધાયો ગુન્હો

રાજકોટ, તા., રપઃ યુનિવર્સિટી રોડ ઉપર આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી (ફુડ એન્ડ ડ્રગ્સ) વિભાગમાં ડ્રગ્સ ઇન્સ્પેકટર વર્ગ-ર તરીકે હોદો સંભાળતા ઉર્વીષાબેન કમલેશભાઇ પટેલ અને કચેરીના વર્ગ-૩ના અધિક્ષક ઇકબાલ રસુલભાઇ સૈયદ સામે ૧૮ હજારની લાંચ લીધાનો ગુન્હો આજે એન્ટીકરપ્શન બ્યુરોએ નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

એસીબી રાજકોટ એકમના પીઆઇ પી.વી.પરગડુને એવી બાતમી મળી હતી કે ઔષધ નિયમનની કચેરીમાં લાંચ લઇ મેડીકલ સ્ટોરના ફાર્મસી લાયસન્સ અને અન્ય કામકાજ કરી દેવામાં આવે છે. આ સંદર્ભે તા.૧૬મીના ર પંચોને સાથે રાખી કચેરીના ડ્રગ ઇન્સ્પેકટર ઉવર્શીબેન પટેલના ટેબલના ખાના, કબાટ અને તેમનું પર્સ ચેક કરવામાં આવતા પર્સમાંથી ૧૮ હજારથી વધુ રોકડ રકમ મળી આવી હતી. આ રોકડ રકમ તેમણે એક મેડીકલ સંચાલક પાસેથી લાંચ પેટે ઇકબાલ સૈયદ મારફત સ્વીકાર્યાની ચોક્કસ બાતમી એસીબી પાસે હતી. આ બારામાં આજ દિવસ સુધી મેડીકલ સ્ટોર સંચાલકના હિસાબની ડાયરીમાં થયેલી નોંધો અને કચેરીની સરકારી રકમનું ક્રોસ વેરીફીકેશન કર્યા બાદ મળી આવેલી ૧૮ હજારની રકમ લાંચ પેટે જ સ્વીકાર્યાનું દસ્તાવેજી પુરાવા પરથી ફલીત થતું હોવાથી આજે બંન્ને સામે એસીબીના પીઆઇ એચ.એસ.આચાર્યએ લાંચ સ્વીકારવા બદલ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. મેડીકલ સ્ટોર સ઼ચાલકની ડાયરીમાં પણ ૧૮ હજાર લાંચ પેટે ઉવર્શી પટેલને આપ્યાની નોંધ મળી આવી હતી.

વધુ તપાસ એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ  પીઆઇ એમ.બી.જાની ચલાવી રહયા છે.

(3:22 pm IST)