Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

તો.. બુધવારે મેયર ચેમ્બરમાં કચેરો ઠલવાશે

પંચાયતનગર-૩ના ખૂણે વર્ષોથી પડેલા કચરાનો ગંજ તાત્કાલીક દૂર કરવા તુષીત પાણેરીની ઉગ્ર માંગ

તસ્વીરમાં પંચાયતનગરમાં પડેલો ગંદકીનો ગંજ દર્શાય છે.

રાજકોટ, તા. રર : શહેરના પંચાયતનગર શેરી નં.૩માં વર્ષોથી ગંદકીના ગંજની સમસ્યા છે. આ બાબતે લતાવાસીઓ અનેક રજૂઆતો કરીને થાકયા છે ત્યારે હવે આગામી ર૪ કલાકમાં એટલે કે તા. ર૩ સુધીમાં આ કચરો ઉપાડી સફાઇ નહીં થાય તો બુધવારે મેયર ચેમ્બર તથા વેસ્ટ ઝોનના ડે. કમિશ્નરની ચેમ્બરમાં કચરો ઠાલવી તંત્રની બેદરકાર નીતિ સામે રોષ વ્યકત કરાશે તેવી ચીમકી પ્રદેશ કોંગ્રેસના સંગઠન મંત્રી તુષીત પાણેરીએ ઉચ્ચારી છે.

આ અંગે તેઓએ યાદીમાં જણાવ્યું છે કે, શહેરના યુનિ. રોડ પર આવેલ પંચાયતનગર સોસાયટીની શેરી નં.૩ના ખૂણે કચરો-ગંદકીના ગંજ ખડકાયા છે. ઉલ્લેખનીય છે કે આ કચરો આસપાસના રહેવાસીઓ તેમજ સામે આવેલ એપાર્ટમેન્ટના રહેવાસીઓ જ રાત્રીના સમયે નાખે છે. અગાઉ અવાર નવાર આજ મુદ્દે કોર્પોરેશનના વેસ્ટ ઝોનના ડે. કમિશ્નર, પર્યાવરણ ઇજનેર સહિત અન્ય જવાબદાર અધિકારીઓને લેખીત તેમજ ટેલીફોનીક રજૂઆત કરી છે પણ તેઓ અત્યાર સુધી પંચાયતનગરમાં રહેલો હોકર્સ ઝોન હોવાથી કચરો થાય છે, તેવા બહાના આપતા આ પણ હવે હોકર્સ ઝોન ખાલી થઇ ગયાને બે મહીના થઇ ગયા હોવા છતા પણ કચરો-ગંદકીની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. કચરાને લીધે ત્યાંથી દુર્ગંધ આવે છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.

આ કચરો આસપાસના સ્થાનિકો દ્વારા જ ઠાલવાતો હોય તંત્ર તેમના પર દંડનીય કાર્યવાહી કરીને જો ર૪ કલાકમાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ નહી લાવે તો આજ કચરો તેમજ બીજા વિસ્તારોમાંથી કચરો ભેગો કરીને મેયર તેમજ વેસ્ટ ઝોનના ડે. કમિશ્નરની ચેમ્બરમાં ઠાલવામાં આવશે. બે વર્ષથી આ પ્રશ્નને લઇને પંચાયતનગર શેરી નં.૩ના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે તંત્ર ગંભીરતાથી પગલા લ્યેતે જરૂરી છે.

(4:16 pm IST)