Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જેઠાણી સાથે પતિના આડા સંબંધોથી ત્રાસી પટેલ પરિણીતાએ કરેલ આપઘાત કેસમાં સાસરીયાઓનો નિર્દોષ છુટકારો

રાજકોટઃ તા.૨૨ રાજકોટના લક્ષ્મણ પાર્ક કુવાડવા રોડ પર રહેતી પટેલ પરીણીતા પ્રીતી સગપરીયાએ તા.૧૦/૩/૨૦૧૬ના સાસરીયાના દુઃખત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ જે બનાવની કોઠારીયા રોડ પર ન્યુ સુભાષ શેરી નં.૬માં રહેતા ગુજરનારના પિતા કેશુભાઇ સભાયા દ્વારા પ્રિતીના સાસરીયા પક્ષ વિરૂધ્ધ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં આપઘાત  અને દહેજ અપમુત્યુ ફરીયાદના કામે કેસ ચાલી જતા સેશન્સ અદાલતે તમામને નિર્દોષ ઠરાવી છોડી દીધેલ હતા.

 એ ફરીયાદની હકીકત એવી છે કે, બનાવના ત્રણેક વર્ષ અગાઉ ફરીયાદી કેશુભાઇની પુત્રી પ્રિતીબેનના  લગ્ન જગદિશભાઇ ગોવિંદભાઇ સગપરીયા સાથે  થયેલ.  લગ્ન બાદ પ્રિતીબેનને તેમના પતિ તેમજ સાસરીયા દ્વારા દુઃખત્રાસ આપી 'તુ ગમતી નથી,  કાંઇ કરીયાવર લાવી નથી, તારા, ઘરે જતી રહેે ' તેવો શારીરીક ત્રાસ આપી મારકુટ કરવામાં આવતી અને પતિને તેના જેઠાણી સાથે આડા સંબધ હોય  જેથી પ્રિતીબેન જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ હોય રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં જગદિશ ગોવિંદભાઇ સગપરીયા (જેઠ), મંજુલાબેન દિનેશભાઇ સગપરીયા (જેઠાણી), પાંચીબેન ગોવિંદભાઇ સગપરીયા (સાસુ), આનંદ દિનેશભાઇ સગપરીયા (ભત્રીજો) બધા રહે લક્ષ્મણ પાર્ક, કુવાડવા રોડ, રાજકોટનાઓ વિરુધ્ધ ઇ.પી.કો. કલમ- ૪૯૮ (ક), ૩૦૬, ૩૦૪ (બી), ૧૧૪ મુુજબ ફરીયાદીની ફરીયાદ નોંધાવામાં આવેલ હતી.

 મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદની તપાસ પૂર્ણ થતા પોલીસ દ્વારા  ચાર્જશીટ કરાતા કેસ સેશન્સ અદાલત સમક્ષ ચાલવા પર આવેલ હતો પ્રોસીકયુશન દ્વારા તહોમતનામુ ફરમાવ્યા બાદ પુરાવામાં પંચો, નજરે જોનાર સાહેદો, ડોકટર તથા પોલીસ અધિકારીની જુબાનીઓ નોંધવામાં આવેલ અને આરોપીઓ વતિ તમામ સાહેદોની જીણવટપૂર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ હતી.  આરોપીઓ તરફે એવો બચાવ  લેવામાં આવેલ કે ગુજરનારને મરવા માટે આરોપીઓ એજ મજબુર કર્યા હોય તેવું પુરવાર થતું નથી. તેમજ મરણજનારની જે સ્યુસાઇટ નોટ રજુ  કરાયેલ છે તે જોતા ફરીયાદની હકીકતોથી વિરોધાભાસી હકીકતો રેકર્ડ ઉપર આવેલ છે તેમજ આપઘાત કર્યાના સમયમાં પર શંકા ઉભી થાય છે ફરીયાદમાં, સ્યુસાઇટ નોટ તથા સાહેદોની જુબાની દ્વારા મરનારને આપઘાત કરવા દુષ્પ્રેરણ કર્યાના કોઇ આક્ષેપ નથી. તેમજ બનાવના એકમાસ બાદ પ્રથમ સ્યુસાઇટ નોટ તથા તેના પછી બે માસ બાદ બીજી સ્યુસાઇટ નોટ ફરીયાદી પક્ષ દ્વારા રજુ કારયેલ છે જે હકીકત સ્યુસાઇટ નોટને શંકાસ્પદ બનાવે છે જેથી. પ્રોસીકયુશન પોતાનો કેસ સાબીત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડેલ હોય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા રજુઆતો કરેલ હતી.

અદાલત દ્વારા તમામ પુરાવાઓ તેમજ બંને પક્ષો તરફે થયેલ રજુઆતો ધ્યાને લીધા બાદ એવા નિષ્કર્ષ પર આવેલ કે, મરણજનારનું મુત્યું આત્મહત્યા હતી પરંતુ આ આત્મહત્યા આરોપી પતિને તેની જેઠાણી સાથેના સંબંધોને કારણ કે સાસુ અને જેઠના અસહય મેણા ટોણાને કારણે કરેલ હોવાનું ફરીયાદ પક્ષ દ્વારા સચોટ પુરાવાથી પુરવાર થતુ નથી જેથી તમામ આરોપીઓ સાસરીયાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતા.

 આ કામમાં આરોપી સાસરીયાઓ તરફે જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રાજેશ ચાવડા, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કિર્તી ચાવડા, કેવલ પટેલ રોકાયેલ હતા.

(4:03 pm IST)