Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જલારામ હોસ્પીટલમાં તબીબોનું માનદ વેતન ૬ માસથી ટલ્લે ચડાવતુ મેનેજમેન્ટઃ ૧ જાન્યુ.થી ઓપીડી દર્દી તપાસવાનું બંધ

દર્દીઓ પાસેથી પુરા પૈસા લેનાર ટ્રસ્ટ મંડળ ૩૩ તબીબોના પૈસા કેમ લબડાવે છે? મેનેજમેન્ટને અનેક રજુઆત છતા કોઇ સાનુકુળ પ્રત્યુતર ન મળતા તબીબો દ્વારા સારવાર બંધનું એલાન

રાજકોટ, તા., ર૧: અન્નદાનનો અપરંપાર મહિમા સમગ્ર વિશ્વમાં જગાડનાર પૂ. જલારામ બાપાના નામથી શરૂ થયેલ જલારામ હોસ્પીટલમાં માનદ વેતન પ્રશ્ને મેનેજમેન્ટ અને તબીબો સામસામે આવી ગયા છે.

જાણવા મળતી વિગત મુજબ પંચવટી રોડ ઉપર આવેલ શ્રી જલારામ રઘુકુળ સાર્વજનીક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ હોસ્પીટલમાં ન્યુરો, નેફોલોજીકલ, મેડીસીન, ઓર્થોપેડીક, ડાયાલીસીસ આઇસીયુ સહીત તમામ વિભાગો આવેલા છે. જયાં દરરોજ સેંકડો દર્દીઓ સારવાર માટે આવે છે. સરકારની મા અમૃતમ  યોજના પણ ચાલે છે. જેમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ૩૩ થી વધુ ટોચના તબીબો શ્રી જલારામ હોસ્પીટલ ખાતે દર્દીઓની સારવાર કર છે.

પરંતુ છેલ્લા સાત - આઠ માસથી કોઇ કારણોસર ટ્રસ્ટી મંડળ દ્વારા ડોકટરોને ચુકવવામાં આવતુ માનદ વેતન ચુકવાતુ ન હોય અનેક ચર્ચાઓ ચાલી હતી. મેડીકલ ડાયરેકટર અન તબીબોએ તેના વેતન અંગે રજૂઆત કરી છતાં વેતન તો ઠીક તબીબોને રજૂઆતના સ્માઇલ કે સાનુકુળ પ્રતિસાદ પણ સાંપડયો નથી.

શ્રી જલારામ હોસ્પીટલના મેનેજમેન્ટ દ્વારા તબીબોના વેતન પ્રત્યે ભારે અવગણના કરતા આખરે તમામ તબીબોને હવે તા. ૧-૧-ર૧ થી ઓપીડી કે હોસ્પીટલમાં દર્દીને તપાસવા નહી જાય તેવુ સ્પષ્ટ મેનેજમેન્ટને જણાવી દીધું છે.

દર્દીઓ પાસેથી પુરા પૈસા લેતુ મેનેજમેન્ટ તબીબોને માનદ વેતન કેમ નથી આપતુ ? તબીબોની રજૂઆતનો ઉતર પણ મેનેજમેન્ટ ન આપતુ હોય કેટલાક તબીબોએ હવે જલારામ હોસ્પીટલમાં આવવાનું માંડી વાળ્યું છે.  શ્રી જલારામ હોસ્પીટલ મેનેજમેન્ટ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. પૈસાની બાબતમાં છતે પૈસા તબીબોને ન આપવા તે કારણ હજુ સ્પષ્ટ ન થતા અનેક વિધ ચર્ચાએ જોર પકડયું છે.

(3:55 pm IST)