Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટમાં 'નિયો મેટ્રો' ટ્રેન શકય છે કે કેમ ? થશે સર્વે

અગાઉ બજેટમાં મેટ્રો બસ માટે કન્સલ્ટન્સીની જોગવાઇ હતી હવે નવા બજેટમાં 'નિયો મેટ્રો'ની કન્સલ્ટન્સી માટે જોગવાઇ થશે : શહેરમાં સીટી બસ ઉપરાંત મેટ્રોનું વૈકલ્પિક માસ ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ બનાવવાનો હેતુ : સરકાર યોજનામાં સબસીડી પણ આપશે : ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૨૧ : શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન માટે હાલ સીટી બસ બી.આર.ટી.એસ. બસની સુવિધા છે. આ સુવિધા ઉપરાંત શહેરીજનોને મેટ્રો - નિયો મેટ્રો બસના માસ ટ્રાન્સપોર્ટેશનનો નવો વિકલ્પ આપવાનો નિર્ણય મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કર્યો છે અને આ માટે હાલ તુરંત મેટ્રો અને નિયો મેટ્રો બસ કયાં કયાં - કેવી રીતે ચલાવી શકાય તેનો સર્વે કરાવવા આગામી નવા બજેટમાં કન્સલ્ટન્સી એજન્સીને રોકવાની જોગવાઇ કરવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પ્રાથમિક વિગતો જાહેર કરતા જણાવેલ કે, શહેરમાં સીટી બસ, બી.આર.ટી.એસ. બસનું માસ ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ છે ત્યારે ભવિષ્યને ધ્યાને લઇ શહેરીજનોને મેટ્રો ટ્રેન, નિયો મેટ્રો ટ્રેન, એલીવેટેડ બસ, કેબલ કાર જેવી નવી અદ્યતન માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓનો વિકલ્પ આપવાનું આયોજન છે.

શ્રી અગ્રવાલે આ તકે ઉમેર્યું હતું કે, ૨૦૨૦ના બજેટમાં મેટ્રો ટ્રેનના અભ્યાસ - સર્વે માટે કન્સલ્ટન્સી અંગે જોગવાઇ કરાઇ છે. હવે રિવાઇઝડ કે પછી ૨૦૨૧ના નવા બજેટમાં મેટ્રો ટ્રેન ઉપરાંત નિયો મેટ્રો ટ્રેન, એલીવેટેડ બસ અને કેબલ કાર સહિતનું માસ ટ્રાન્સપોર્ટેશન રાજકોટમાં શકય છે કે કેમ? તેના સર્વે - અભ્યાસ માટે કન્સલ્ટન્સી ખર્ચની જોગવાઇ કરવામાં આવશે.

આમ, હવે શહેરીજનોને 'મેટ્રો ટ્રેન'ની સુવિધાના સ્વપ્ના તંત્ર વાહકો બતાવી રહ્યા છે જે સાકાર થશે કે કેમ ? તે તો સર્વે થયા બાદ જ ખબર પડશે.

(2:56 pm IST)