Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં મહિલા આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૧: રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલ હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં મહિલા આરોપીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજુર થતા જેની સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મજુર થયેલ છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તારીખ ૩૦ ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલ હુમલામાં લગધિરસિંહ નવુભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસિયા પ્રૌઢની હત્યા થઇ હતી જયારે અન્ય બે વ્યકિત ધવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઇ રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણભાઇ રાઠોડ, કાંતાબેન રમેશભાઇ રાઠોડ, કલ્પેશ ભીખુભાઇ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ ખીમજી નાથાભાઇ, ભુપત નાથાભાઇ, રોનક નાથાભાઇ, પોપટ વશરામભાઇ, કેસુબેન વશરામભાઇ, ચનાભાઇ વશરામભાઇ, શામજી બચુભાઇ, અક્ષિતભાઇ છાયા સામે અઇપીસી કલમ ૩૦ર, ૩ર૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧ર૦(બી) વિગેરે મુજબ હત્યાનો ગુનો નોંધીને ઉપરોકત શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ પૂર્ણ થતા પોલીસ દ્વારા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલ. જે પૈકી મહિલા આરોપી દક્ષાબેન લક્ષ્મણભાઇ રાઠોડએ ના.સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છુટવા માટે જામીન અરજી કરતા રાજકોટની સેશન્સ કોર્ટે તે અરજી નામંજુર કરેલ જેથી તેણીએ હાઇકોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી જેને હાઇકોર્ટે મંજુર કરી હતી.

આ કામે મહિલા આરોપી દક્ષાબેન લક્ષ્મણભાઇ રાઠોડ તરફે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કર્ણ એચ. ઢોમસે તથા રાજકોટ ખાતે યુવા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ બી.મકવાણા રોકાયેલા હતા.

(2:42 pm IST)