Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગોંડલમાં પત્નિને જાનથી મારી નાખવાના પ્રયાસના ગુનામાં પકડાયેલ પતિને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ, તા., ૨૧: પતિ દ્વારા પોતાની ધર્મ પત્નીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ તે અંગેના ગુનાહીત કૃત્યમાં પતિને ૧૦ વર્ષની સખત કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના ગોંડલ શહેરમાં તા.પ-પ-ર૦૧૦ના રોજ ફરીયાદી પત્ની આબેદાબેન સરફરાજ તેરવાડીયા પોતાના મામાના ઘરે હોય પતિ આરોપી સરફરાજ રહીમભાઇ તેરવાડીયા સાથે અણબનાવ હોય અને સરફરાજ પોતાના પત્ની આબીદાબેન પર ચારીત્ર બાબતે શંકા કરતો હોય અને ફરીયાદી આબીદાબેન બનાવના દીવસે પોતાના મામાના ઘરે એકલી હોય ત્યારે ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસી પોતાની પત્ની આબીદાબેનને તેના પતિ સરફરાજ રહીમભાઇએ મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી વાસાના ભાગે છરીનો ઘા મારેલ જેના કારણે વાંસામાં આબીદાબેનને છરી ખુંચી ગયેલ અને ડોકટર દ્વારા સારવાર દરમ્યાન વાસામાંથી છરી કાઢવામાં આવેલ. આ ઉપરાંત આરોપીએ ફરીયાદી આબીદાબેનને છરી વડે શરીરનાં અન્ય ભાગોમાં ઇજા પહોંચાડેલ હતી.

સબબ આ ગુન્હાની અંગે આબીદાબેન સરફરાજ તેરવાડીયાએ પોતાના પતિ સરફરાજ સામે ફરીયાદ દાખલ કરેલ અને ત્યાર બાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન દ્વારા આઇપીસી ૩૦૭, ૪પ૦ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ત્યાર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવેલ.સબબ ત્યાર બાદ ઉપરોકત કેસ સેસન્સ અદાલતમાં કમીટ થતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે. ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ તથા કુલ ર૧ સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવો રેકર્ડ ઉપર લેવામાં આવેલ અને ફરીયાદીની જુબાની  ડોકટરશ્રીની જુબાની તથા અન્ય સાહેદોની જુબાની ધ્યાને રાખી તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ કે.ડોબરીયાની ધારદાર દલીલો ધ્યાને રાખી આરોપી ભારતીય દંડ સહીતની કલમ ૩૦૭, ૪પ૦ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી નામદાર સેસન્સ જજ સાહેબશ્રી એ ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે. ડોબરીયા રોકાયેલા હતા.

(2:39 pm IST)