Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

લોહાણા મહાપરિષદની મધ્યસ્થ મહાસમિતિમાં પ્રમુખ તરીકે સતીષભાઇ વિઠ્ઠલાણીને બહાલી

સાડા ચાર કલાક ચાલેલી ઓનલાઇન ઝુમ મિટીંગમાં કુલ ૧૦૦૦ સભ્યોમાંથી રરપ જેટલા સભ્યો જોડાયા : સૌને સાથે રાખીને ચાલવાનો સતીષભાઇ વિઠ્ઠલાણીનો કોલ : મહિલા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતીષભાઇ વિઠ્ઠલાણીના ધર્મપત્ની શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણીની નિયુકિત

રાજકોટ, તા. ર૧ :  સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદની મધ્યસ્થ મહાસમિતિની મિટીંગ ગઇકાલે અખિલ મહારાષ્ટ્ર લોહાણા સમાજ તથા મુંબઇ લોહાણા મહાજનના યજમાનપદે કાનબાઇ સત્કાર્ય હોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ઇ.સ. ર૦ર૦થી ર૦રપ ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતીષભાઇ વિઠ્ઠલાણી (મો. નં. ૯૮ર૦૦ ર૯૮પ૮) ના નામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. શ્રી નવીનચંદ્ર રવાણીએ નવા પ્રમુખના નામનો પ્રસ્તાવ મુકયો હતો અને વિદાય લેતા પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટકે મિટીંગમાં હાજર રહેલ સૌને સર્વાનુમતે સતીષભાઇ વિઠ્ઠલાણીના નામને બહાલી આપવા વિનંતી સાથે અપીલ કરી હતી. નવીનચંદ્ર રવાણી તથા રવિન્દ્રભાઇ વાઘાણીએ નવનિયુકત પ્રમુખશ્રી સતીષભાઇ વિઠ્ઠલાણીને પ્રમુખપદના શપથ લેવડાવ્યા હતા.

બપોરે અઢી વાગ્યે શરૂ થયેલી ઓનલાઇન ઝુમ મીટીંગ લગભગ સાડા ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં મધ્યસ્થ મહાસમિતિના આશરે કુલ ૮૦૦ થી ૧૦૦૦ સભ્યોમાંથી બપોરે ત્રણ વાગ્યા આસપાસ રરપ જેટલા સભ્યો જોડાયા હતા. કોરોનાને કારણે સંભવતઃ પ્રમાાણમાં ઓછી સંખ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

વિદાય લેતા પ્રમુખ પ્રવિણભાઇ કોટકે પોતાના પ્રવચન દરમ્યાન ઇ.સ.ર૦૧પ થી ર૦ર૦ દરમિયાન પોતાને સહકાર આપનાર સૌ કોઇનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને નવનિયુકત પ્રમુખશ્રી સતીષભાઇ વિઠલાણીને તન, મન, ધનથી સહકાર આપવા સૌને અપીલ કરી હતી. સાથે સાથે પ્રવિણભાઇ કોટકે સતીષભાઇ વિઠ્ઠલાણીના ધર્મપત્ની શ્રીમતી રશ્મીબેનને મહાપરીષદની મહિલા સમીતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પણ પ્રસ્તાવ મુકયો હતો. જે સૌ કોઇએ તાળીઓથી વધાવી લીધો હતો.

નવનિયુકત પ્રમુખ તથા મુંબઇ ખાતેના ખીમજી ભગવાનજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સતીષભાઇ વિઠ્ઠલાણીએ પોતાના ઉદબોધનમાં સમગ્ર વિશ્વના લોહાણા સમાજના સર્વાગી વિકાસ ઉપર ભાર મુકયો હતો. સાથે સાથે શિક્ષણ તથા તબીબી સેવાઓના મહત્વની અને યુવાધનને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. સૌને સાથે રાખીને ચાલવાનો કોલ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૦ નવેમ્બર, ર૦ર૦ના રોજ મળેલ વરણી સમીતીની ઓનલાઇન ઝુમ મીટીંગમાં ર૦ર૦ થી ર૦રપની ટર્મ માટેના પ્રમુખપદે સતીષભાઇ વિઠ્ઠલાણીની ર૭ સભ્યો દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને ગઇકાલે મધ્યસ્થ મહાસમીતીની વર્ચ્યુઅલ (ઓનલાઇન) મીટીંગમાં બહાલી આપવામાં આવી હતી. મુંબઇ ખાતે લગભગ પ૦ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ. બાકીના ઇન્ટરનેટ મારફત જોડાયા હતા.

રઘુવંશી ધ્વજવંદન ગીત સાથે શરૂ થયેલ મીટીંગમાં સ્વાગત પ્રવચન મુંબઇ લોહાણા મહાજનના અગ્રણી મહેન્દ્રભાઇ ઘેલાણીએ કર્યુ હતું તથા સંચાલન મંત્રીશ્રી હરીશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ગત વર્ષના હિસાબો ઓડીટર વસંતભાઇ ઠક્કર દ્વારા રજુ કરાયા હતા. મહા પરીષદના પુર્વ પ્રમુખ  અને એડવોકેટ શ્રી યોગેશભાઇ લાખાણી, ધર્મેશભાઇ હરીયાણી સહીતના લોકોએ ઉદબોધન કરીને નવનિયુકત પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.

છાપામાં આવતી ટીકાને ઇગ્નોર કરો !!! નવીનચંદ્ર રવાણી

લોહાણા મહાપરિષદના વયોવૃદ્ધ મેમ્બર નવીનચંદ્ર રવાણીએ પોતાના ઉદ્બોધનમાં સૌને વણમાંગી સલાહ આપતા જણાવ્યું હતું કે છાપામાં આવતી ટીકાને ઇગ્નોર કરશો તો તે બંધ થઇ જશે. ટીકાકારને પ્રોત્સાહન ન આપો. વર્તમાનપત્રમાં ટીકાઓ આવતા શ્રી પ્રવિણભાઇ કોટકે રાજીનામું આપ્યું હોવાનું કહ્યાની પણ ચર્ચા છે. જો કે પ્રવિણભાઇ કોટકની મહાપરિષદના પ્રમુખ બનવાની ઇચ્છા જ ન હોવાનું પણ નવીનચંદ્ર રવાણીએ કહ્યું હતું.

(2:38 pm IST)