Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કાલે પૂ.પ્રમુખ સ્વામીજીનો ૯૯મો જન્મજયંતિ મહોત્સવઃ ઓનલાઈન ઉજવાશે

રાજકોટ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે ૨૨માં પાટોત્સવની ઉજવણીઃ પૂ.મહંત સ્વામીના વિશીષ્ટ દર્શન, સભા, આરતી સહિતના સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી કાર્યક્રમો

રાજકોટ,તા.૨૧: પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ એક એવા યુગપુરૂષ જેમણે હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં અકલ્પનીય એવા ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી. પ્રમુખસ્વામી મહારાજ એક એવા ગુણાતીત પુરુષ જેમણે ૧૦૦૦થી પણ વધુ સુચરિત અને સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી સનાતન સંત પરંપરાને નવજીવન બક્ષ્યું. પ્રમુખસ્વામી મહારાજ એક એવા કરૂણામય સંત જેમણે ૨,૫૦,૦૦૦થી પણ વધુ દ્યરોમાં વિચરી અને ૭,૦૦,૦૦૦થી વધુ પત્રોના જવાબ આપી એક સાચા સ્વજનની ખોટ પૂરી પાડી. જેમણે પોતાના ૯૫ વર્ષના જીવનની કણે-કણ અને ક્ષણે-ક્ષણ બીજાના ભલા માટે વિતાવી માનવ ઉત્થાન અને જન-કલ્યાણ માટે સેવાના અનેક પ્રકલ્પો ચલાવ્યાં એવા વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૯મો જન્મજયંતી મહોત્સવ મંગળવાર, ૨૨ ડિસેમ્બરના રોજ એટલે કે માગશર સુદ આઠમના દીને આ વર્ષે કોરોના મહામારીને કારણે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ઓનલાઈન ઉજવાશે જેને સમગ્ર વિશ્વમાં રહેલ સૌ કોઈ ભકતો-ભાવિકો વિવિધ માધ્યમો દ્વારા નિહાળશે.

ભારતીય સમય મુજબ રાત્રે ૭:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી આ સભાનું પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ પર હિન્દીમાં, GTPL કથા ચેનલ નંબર ૫૫૫ પર હિન્દીમાં તથા live.baps.org પર હિન્દી તથા અંગ્રેજીમાં થશે. જેમાં સૌને પરમ પૂજય મહંત સ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો, મંત્ર પુષ્પાંજલિથી ગુરૂહરિને વધાવવાનો તેમજ સમૂહ આરતીનો લાભ પ્રાપ્ત થશે. મંગળવાર, ૨૨ ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજ ૯૯મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સવારે ૮ વાગ્યે live.baps.org પર મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે. 

૧૯૯૮માં રાજકોટને મંદિરની ભેટ આપી હતી

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને ૨૨ વર્ષ પૂર્વે ઈ.સ.૧૯૯૮માં  પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. જે મંદિર, સંતોષ–સમજણ–સંપના સેતુ રચાવે છે. માનવમાત્રના પ્રેરક, પોષક અને સંવર્ધક એવા રાજકોટના નજરાણા સમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ૨૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એ નિમિત્ત્।ે કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પાટોત્સવ વિધિની મહાપૂજા અને દર્શનની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલી.

     પ્રાતઃકાળે રાજકોટ મંદિરના કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્વામીએ ઠાકોરજીની મહાપૂજાવિધી સંપન્ન કરી હતી જેમાં ભકતો પણ ઘેર બેઠા ઓનલાઈન જોડાયા હતા. આ અવસરે મંદિરે ભગવાનને વિશેષ પૂજન, અભિષેક અર્પણ કરી નૂતન આભૂષણો અને અલંકારયુકત વાઘા પહેરાવી ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલ કોરોના વાઇરસ વહેલી તકે નાબુદ થાય અને સર્વે ભકતો-ભાવિકોનું સ્વાસ્થ્ય સારૃં રહે એ માટે ખાસ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવેલી.

આજના દિને પાટોત્સવની સાથે શ્રીનીલકંઠવર્ણી મહારાજની પુનઃપ્રતિષ્ઠા વિધિ અને 'શ્રી નીલકંઠવર્ણી નુતન અભિષેક મંડપમ'નું  ઉદ્ઘાટન પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું હતું તેને ૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંતોએ શ્રીનીલકંઠવર્ણી મહારાજને પંચામૃત જળથી અભિષેકવિધી કરી આરતી ઉતારી હતી. ભકતો ભાવિકો સાંજે ૩:૪૫ થી ૫: ૪૫ દરમ્યાન મંદિર ખાતે ઠાકોરજીના દર્શન કરી શકશે

(12:51 pm IST)