Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તા.૨૬મીથી રાજકોટમાં ગ્લેનમાર્ક સબ જુનિયર - ગ્લેનમાર્ક એકવેટીક ચેમ્પિયનશીપ : દેશભરના ૧૨૦૦ તરણવીરોની ઉપસ્થિતિ

પ્રથમવાર રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસો. અને ગુજરાત એકવેટીક એસો.નું આયોજન : પત્રકાર પરિષદમાં માહિતી આપતા ઉમેશ રાજયગુરૂ, ડી.વી. મહેતા અને વિક્રમસિંહ રાણા

રાજકોટ : પત્રકાર પરિષદમાં માહિતી આપતા ઉમેશભાઈ રાજયગુરૂ, ડી.વી. મહેતા, વિક્રમસિંહ રાણા અને જીતુભાઈ કોઠારી નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ : રાજકોટના આંગણે પ્રથમ વખત તા.૨૬ થી ૩૦ જૂન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીમીંગ પુલ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનિયર અને ૪૬મી ગ્લેનમાર્ક જુનિયર નેશનલ એકવાટીક ચેમ્પિયનશીપ ૨૦૧૯નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યુ છે. રાષ્ટ્રીય કક્ષાની આ ત્રણ સ્પર્ધા દેશભરમાંથી જીલ્લા તથા રાજય લેવલના વિજેતા સ્પર્ધકો ભાગ લેવા રાજકોટ ખાતે મહેમાનગતિ કરશે. રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન અને ગુજરાત એકવેટીક એસોસીએશનના નેજા હેઠળ યોજાનારી ગ્લેનમાર્ક એકવેટીક ફાઉન્ડેશન અને અન્ય સ્પોન્સરોના સહયોગથી થવા જઈ રહી છે.

આગામી ૨૬ થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન યોજાનાર નેશનલ સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં તરણ સ્પર્ધાની જુદી જુદી ઈવેન્ટ જેમાં ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક, બટર ફલાય, બ્રેસ્ટ સ્ટ્રોક, ડાઈવીંગ, વોટર પોલો જેવી સ્પર્ધા માણવાની તક રાજકોટવાસીઓને મળવાની છે.

એક વિશ્વસ્તરની સ્પર્ધા જેવો માહોલ રાજકોટના આંગણે યોજવાનો છે. સમગ્ર રાજકોટ શહેરના સ્વીમીંગ પ્રેમીઓમાં આ ઈવેન્ટને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધામાં રાજકોટની સ્વાસ્થ્ય પ્રેમી જનતાને પ્રમુખ શ્રી ઉમેશ રાજયગુરૂ દ્વારા જાહેર આમંત્રણ છે.

પત્રકાર પરિષદમાં ઉમેશભાઈ રાજયગુરૂએ જણાવ્યુ છે કે, આ પહેલા ૨૦૧૨માં સબ જુનિયર સ્વીમીંગ ચેમ્પિયનશીપ રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ હતી. તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછી ૨૦૧૫માં સીનીયર સ્વીમીંગ ચેમ્પિયનશીપ પણ યોજાઈ હતી. જેમાં ગ્લેન માર્ક, બાન લેબ, જયોતિ સીએનસી અને જીનીયસ ગ્રુપ આ ચેમ્પિયનશીપ ખૂબ જ સફળ આયોજનમાં સહકાર આપવાની સુવર્ણ તક સાપડી હતી. આ ચેમ્પિયનશીપમાં બહારગામથી આવેલ સ્પર્ધકો માટે રહેવાની વ્યવસ્થામાં રાજકોટ મહાનગરપાલિકાએ સહકાર આપેલ છે. જયારે જમવાની ઉત્તમ સગવડતા રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન, તેમજ ટ્રાન્સપોર્ટેશનની જવાબદારીમાં જીનીયસ અને જયોતિ સીએનસીની ટીમ ખડેપગે રહેવાની છે.

ઉમેશભાઈ રાજયગુરૂએ વધુમાં જણાવેલ કે આ સ્પર્ધામાં ગોવાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગંબર કામત, આર.એન. જય પ્રકાશ (પ્રમુખ શ્રી સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) જેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે અને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરૂ પાડશે.

ભારતમાંથી આવનારા સ્ટાર ખેલાડીઓ જેવા કે બોયસ : આર્યન નહેરા, બિક્રમ, બસ્તાબ તપન બોર્ડોલોઈ, સ્વદેશ મંડોળ, તન્મય દસ, સોન ગાંગુલી, જીન્દાને શયદ અબ્દુલ, કુશલ પી., કલ્પ બોર, પ્રશીધા ક્રિષ્ના, સંજય સીજે, તનીશ મેથીયુ, અર્યલ ભોંસલે, વેદાંત બાપના, ગર્લ્સ : આસ્થા ચૌધરી, શ્રુંગી બન્દેકર, સ્મૃતિ મહાલીન્ગમ, સાનવી રાઉ, સુનાયના મજુનાથ, ખુશી દિનેશ, ઉત્તરા ગોગોઈ, કેઝીઆહ કાથેરીને, અપેક્ષા ફેર્નાન્ડીઝ, સુવાના બસ્કેર, હિમાની ફડકે, સંજીતી સહા, પલક ધામી, બી. શાકસી ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજકોટના ૫ ખેલાડીઓ જેવા કે રીપ્સા જાની, વિહ જાની, ધ્રુવ ટાંક, કેયુર રાજયગુરૂ અને પાર્થ વાઢેર ભાગ લેશે. ગુજરાત રાજયના કુલ ૩૭ સ્પર્ધકો તેમના કૌવત દેખાડશે. જેમાં આર્યન નેહરા, સિલ્કી નાગપુરે, આર્યન પંચાલ, દેવાશ પરમાર, આરૂષી એમ. કે. એમ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ, જેમને આગળ પણ સારૂ પ્રદર્શન કરી નામના મેળવી છે. તેઓ પણ અહિં ભાગ લઈ રહ્યા છે. હાલ આર્યન નેહરા સીંગાપુર ખાતે ભાગ લેવા ગયા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, આસામ, બેંગાલ, દિલ્હી, ગોવા, હરીયાણા જેવા ૩૨ રાજયોમાંથી ૦૪ કેટેગરીમાં વિવિધ ઈવેન્ટમાં ૧૨૦૦ જેટલા સ્પર્ધકો તેમનું કૌશલ્ય દેખાડશે. આ સ્પર્ધામાં ભારતભરમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કોચ અને રેફરીઓ આવશે અને સ્પર્ધા દરમિયાન તેમાંથી મયંક પટેલ, જતીન શાહ, રાજકુમાર, સુશીલ ચૌધરી, રાકે સીન્ધે, માલવીકા ગુબી જેવા ઘણા નામાંકિત લોકો રેફરી તરીકે સેવા આપશે.

ડી.વી.મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે કે રાજકોટના ખેલાડીઓને આ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે ખાસ ટ્રેનીંગ આપવામાં આવે છે. રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન દ્વારા કેમ્પ તેમજ બહારના ઈન્ટરનેશનલ લેવલના કોચ દેશના અલગ અલગ ભાગમાંથી એકસપર્ટ કોચને આમંત્રિત કરી તેમના માર્ગદર્શન, નિયમોની જાણકારી વિવિધ ટેકનીસની સમજ વગેરે અપાય છે. તદ્દઉપરાંત રાજકોટના કોચ દ્વારા રોજ ચારથી પાંચ કલાકનું માર્ગદર્શન અને ટ્રેનીંગ આપશે.

ચેમ્પિયનશીપમાં બીજા રાજયોમાંથી આવતા સ્પર્ધકોને ગુજરાતની કળા અને સંસ્કૃતિનો પરિચય કરાવવા દરરોજ સાંજે જીનીયસ ગ્રુપની જીનીયસ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, જય ઈન્ટરનેશનલ સ્કુલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આયોજકો દ્વારા રાજકોટની તમામ શાળા અને નગરજનોને આ ચેમ્પિયનશીપ નિહાળવા તથા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આ પાંચ દિવસ દરમિયાન પધારવા આહવાન કરવામાં આવ્યુ છે.

સ્પર્ધાના સફળ આયોજન માટે વિરેન્દ્રભાઈ નાણાવટી (વાઈસ ચેરમેન ફીના), કમલેશભાઈ નાણાવટી (ઉપપ્રમુખ એસએફઆઈ), મોનલ ચોકસી (સેક્રેટરી એસએફઆઈ)ના સીધા માર્ગદર્શન નીચે રાજકોટ પ્રમુખ ઉમેશ રાજયગુરૂ (પૂર્વ મંત્રી રમતગમત)ની ટીમ તથા જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા અને જયોતિ સીએનસીના વિક્રમસિંહ રાણા, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશનના બંકીમ જોષી, દિનેશભાઈ હપાણી, પ્રકાશ કલોલા, નીરજભાઈ દોશી, મોલીક કોટીચા, અમિત સોરઠીયા, નીમીષ ભારદ્વાજ, યશ વાકાણી, દિવ્યેશ ખુંટ, અમીત સાકરીયા, મયુરેશ જાડેજા, ડો.વિજય મહેતા, પ્રતાપ અઢીયા, રાજકોટ મહાનગરપાલિકાના સ્પોટ્ર્સ ડાયરેકટર રાજદીપસિંહ જાડેજા, જય લોઢીયા, સાવન પરમાર, સાગર કક્કડ, વિજય ખુંટ, ભરત કીયાડા, અવની સાવલીયા, પાયલ કાચા, ભગવતી જોષી, મૈત્રી જોષી, જીજ્ઞેશ રામાવત, સી. કે. વ્યાસ, સંજયભાઈ વઘાસીયા, હિરેન ગોસ્વામી, તેમજ રાજકોટ મહાનગરપાલિકાની સ્વીમીંગ એકેડમીના જુના ખેલાડી અને વાલી મિત્રો અને જીનીયસ ગ્રુપના સી.ઈ.ઓ. ડીમ્પલબેન મહેતા અને સ્પોટ્ર્સ હેડ મનીન્દર કૌર કશ્યપ અને રાજકોટ મહાનગરપાલિકાના તમામ સ્નાનાગારની ટીમો, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન તેમજ જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના અને જયોતિ સીએનસી કૌશિકભાઈ સોલંકી તથા સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પત્રકાર પરિષદ રીઝલ્ટ એડના જીતુભાઈ કોઠારી દ્વારા યોજવામાં આવેલ.

(3:47 pm IST)