Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

નવલનગરમાં હત્યારા બોરીચા બંધુનું સરઘસ-હાથ જોડ્યા

૩૧મીએ વાહન દૂર હટાવવા મામલે પડોશી બોરીચા પરિવારે હુમલો કરતાં મારૂતિ ભરવાડ અને તેના ભાઇ લખન મેવાડાને ઇજા થઇ'તીઃ ૮મીએ મારૂતિએ દમ તોડી દીધો'તોઃ આવતીકાલ સુધીના રિમાન્ડઃ લોહીવાળા કપડા અને છરી મવડી ચોકડી પાસેના વરંડામાંથી કબ્જેઃ બપોરે પોલીસ કાર્યવાહી જોવા ટોળા ઉમટ્યા

રાજકોટઃ નવલનગર-૩/૧૮ના ખુણે રહેતાં લક્ષમણ ઉર્ફ લખન સુરેશભાઇ મેવાડા (ભરવાડ) (ઉ.૩૪) તથા તેના નાના ભાઇ  મારૂતિ સુરેશભાઇ મેવાડા (ઉ.૨૮) ઉપર ૩૧મીએ પડોશમાં જ રહેતાં નામચીન બોરીચા પરિવારે છરીથી હુમલો કરતાં મારૂતિના આંતરડા બહાર નીકળી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન ૮મીએ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યાના આ ગુનામાં ફરાર બંને બોરીચા ભાઇઓને શનિવારે ક્રાઇમ બ્રાંચે મેટોડા નજીક બોરીચાની વાડીમાંથી પકડી લીધા હતાં અને માલવીયાનગર પોલીસને સોંપ્યા હતાં. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મંગળવાર સાંજ સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં. હત્યા બાદ બંને ભાઇઓ ભાગ્યા ત્યારે લોહીવાળા કપડા મવડી ચોકડી નજીક એક વરંડામાં બદલ્યા હતાં. આ કપડા અને છરી તેણે ઇંટોના ઢગલા પાછળ છુપાવી દીધા હતાં. જે પોલીસે કબ્જે લીધા છે. લક્ષમણને પોતાની કાર પાર્ક કરવી હોઇ પડોશી લાલા બોરીચાના ઘરે આવેલા શખ્સોના મોટરસાઇકલો આડેધડ પાર્ક કરાયા હોઇ જે પોતે હટાવતો હતો ત્યારે કાનો ઉર્ફ લાલો ધસી આવ્યો હતો અને વાહનો શું કામ હટાવ્યા કહી છરીથી તૂટી પડતાં લક્ષમણ તથા નાના ભાઇ મારૂતિને ગંભીર ઇજા પહોંચી હતી. કાના સાથે તેનો ભાઇ, માતા-પિતા સહિતનાએ પણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન ૮મીએ રાત્રે મારૂતિ મેવાડાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યાના ગુનામાં ફરાર કાનજી ઉર્ફ લાલો ડાયાભાઇ ડાવેરા (બોરીચા) (ઉ.૨૩)  તથા સંજય ડાયાભાઇ ડાવેરા (ઉ.૧૯) (રહે. બંને નવલનગર-૩/૧૮) મેટોડા નજીક બોરીચાના ખેતરમાં આવ્યાની માહિતી મળતા બંનેને શનિવારે પકડી લેવાયા હતાં. માલવીયાનગરના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી રાઓલ, પીએસઆઇ યુ. બી. જોગરાણા, પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી અને ડી. સ્ટાફની ટીમે બંનેને સાથે રાખી લોહીવાળા કપડા અને છરી કબ્જે લેવા કાર્યવાહી કરી હતી. બાદમાં આજે બપોરે આ બંનેને નવલનગરમાં મૃતકના ઘર સહિતના વિસ્તારમાં 'સરઘસ' રૂપે ફેરવી કાયદાનું ભાન કરાવાયું હતું. બંનેએ હાથ જોડીને માફી માંગી હતી. પોલીસની આ કાર્યવાહી જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. અગાઉ આ બંનેએ અખબારી ફોટોગ્રાફર પર હુમલો કર્યો ત્યારે પણ પોલીસે સરઘસ કાઢ્યું હતું. તે વખતે બંનેની માતાએ પોલીસ સામે દેકારો મચાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે હત્યાના ગુનામાં આ બંનેની માતા અને પિતા અગાઉ જેલહવાલે થઇ ગયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:43 pm IST)