Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આજના સમાજની કડવી વાસ્તવિકતા

પરિણામ મા-બાપની અપેક્ષા પ્રમાણે નહિં, બાળકની લાયકાત પ્રમાણે આવે છે મારા વ્હાલા મમ્મી - પપ્પા,

મજામાં હશો એવું નહિં લખું, કારણ કે મારા આપઘાત પછી 'મઝા' નામનો શબ્દ તમારા માટે 'સજા' બની ગયો છે. દુનિયા ભલે માને કે મેં આપઘાત કર્યો છે પણ આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. મારી હત્યા કરનાર એક નહિં પણ અનેક વ્યકિત છે. આ ગુન્હામાં સીધી નહિં તો આડકતરી રીતે આજની શિક્ષણવ્યવસ્થા, મારા શિક્ષકો, સાથી વિદ્યાર્થીઓ,  આડોશી - પાડોશી, આપણો સમાજ અને મમ્મી - પપ્પા તમે પણ ભાગીદાર છો.

મારો શ્વાસ ભલે કાલે બંધ થયો પણ સાચુ કહું તો તમે નર્સરીથી જ મારૂ ટ્યુશન શરૂ કરાવ્યું, ત્યારથી જ મારા બાળપણનું મૃત્યુ થઈ ગયુ હતું. શિક્ષણના કારખાના અને ટ્યુશન કલાસીસની દુકાનોએ મને કયાં જીવવા જ દીધી છે?

એક સાંજે ઘરે આવી મેં પપ્પાને કહ્યું કે મને ભણવામાં બહુ રસ નથી. મારે નૃત્ય કલામાં આગળ વધવું છે. મારે ગણિતના કલાસીસ નથી કરવા પણ ભરતનાટ્યમના કલાસીસ કરવા છે. ત્યારે ક્રોધમાં આવીને પપ્પાએ જવાબ આપ્યો હતો કે નાચવુ - બાચવુ આપણને શોભા નથી દેતુ. ભણવામાં ધ્યાન આપીશ તો ડોકટર કે એન્જીનિયર બની શકીશ.

જે વ્યકિતને 'નૃત્ય' અને 'નાચવું' વચ્ચેનો તફાવત ખબર નથી એની સાથે મારે શું દલીલ કરવી? હું શાંતિથી મારા રૂમમાં જઈને ગણિતના દાખલા ગોખવા લાગી.

દશમાં ધોરણમાં તમે ૮૫ ટકાની અપેક્ષા રાખી હતી. રિઝલ્ટ જાહેર થવાનું હતું એની ૧૦ મિનિટ્સ પહેલા જ પપ્પા ફેસબુકમાં ઓનલાઈન થઈ ગયા હતા, જેથી જેવું રીઝલ્ટ આવે કે તરત જ ફેસબુકમાં પોસ્ટ કરી દેવાય.

પણ અફસોસ કે મને ૬૫% જ આવ્યા. ફેસબુકમાં મૂકી શકાય કે સગા વ્હાલાને સામેથી ફોન કરીને જણાવી શકાય એવું પરિણામ આવ્યુ નહિં એટલે પપ્પા ગુસ્સામાં ન બોલવાનું બોલી ગયા.

આમ જુઓ તો, મારી લાયકાત ૫૫% લાવવાની જ હતી. તમારે તો ખુશ થવુ જોઈએ કે મને મારી આવડત કરતા ૧૦% વધારે આવ્યા હતા.

મમ્મી પપ્પા ! એક વાત હંમેશા યાદ રાખજો કે પરિણામ મા-બાપની અપેક્ષા પ્રમાણે નહિં પરંતુ બાળકની લાયકાત પ્રમાણે આવે છે.

આખા પત્રમાં હું તમારા જ વાંક કાઢું અને મારી પોતાની ભુલ સ્વીકારૂ નહિં તો પત્ર અધૂરો કહેવાય. અત્યારે મને સમજાય છે કે જો મેં જીવવાની થોડી કોશિશ કરી હોત તો હું જીંદગી જીવી શકી હોત. મને એવો ભ્રમ હતો કે આપઘાત કરવાથી તમામ દુઃખો અને યાતનાઓનો અંત આવી જશે. પરંતુ ખરેખર તો આપઘાત કરવાથી માત્ર જીંદગીનો અંત આવે છે, દુઃખનો નહિં! આપઘાત કરનાર પોતે તો છૂટી જાય છે પરંતુ પોતાના ચાહનારાને આજીવન દુઃખમાં છોડી જાય છે.

ઉપર આવી મેં યમરાજ અંકલને પૂછ્યુ કે મને સ્વર્ગમાં કેમ રહેવા દેતા નથી?

ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'બેટા તું તારા ચાહનારાને આજીવન દુઃખમાં ધકેલીને આવી છો. તને સ્વર્ગ કઈ રીતે આપી શકું?

અંતમાં આ પત્ર દ્વારા હું તમારા માતા-પિતાને વિનંતી કરૂ છું કે તમારા બાળકને મનગમતી પાંખો આપી તેમને ખુલ્લા આકાશમાં મુકતપણે ઉડવા દેજો. તમારી એપક્ષાઓના બોજ નીચે તેમના બાળપણને દબાવી ન દેતા.

તથા યુવાન ભાઈ - બહેનોને જણાવવાનું કે ગમે તેટલુ દુઃખ આવે જીવન જીવવાનું કયારેય છોડશો નહિં. મારો અનુભવ કહે છે કે મરતી વખતે જેટલી પીડા થાય છે તેટલી પીડા તમને સમગ્ર જીવનમાં કયારેય થવાની નથી. મૃત્યુથી મોટુ દુઃખ બીજુ એકપણ નથી.

ભગવાને જીંદગી બહુ સુંદર આપી છે એને મારી જેમ આપઘાત કરીને વેડફી ન દેશો.

એજ લિખિતંગ આપઘાત કરીને ખૂબ પસ્તાવો કરતી એક બદનસીબ વિદ્યાર્થીની.(૩૭.૨)

તમામ માતા-પિતાને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની હૃદયભીંજવતી અપીલ : તમારા બાળકને ખુલ્લા આકાશમાં મુકતપણે ઉડવા દેજો, તમારી અપેક્ષાના બોજ હેઠળ તેના બાળપણને દબાવી ના દેતા...

:: આલેખન :: મૌલિક જગદીશ ત્રિવેદી

jagdishbhaitrivedi@icloud.com (ટોરેન્ટો, કેનેડા)

(12:47 pm IST)